han aan aan halan! - Lokgeeto | RekhtaGujarati

હાં આં...આં હાલાં!

han aan aan halan!

હાં આં...આં હાલાં!

હાલ્ય વાલ્ય ને હાંસીનો,

રાતો ચૂડો ભાઈની માસીનો;

માસી ગ્યાં છે માળવે,

ભાઈનાં પગલાં રે જાળવે.

હાં...હાં હાલાં! ૧

હાલ્ય વાલ્ય ને હાંસી,

લાડવા લાવશે ભાઈની માસી,

માસી ગ્યાં છે મ’વે,

લાડવાં કરશું રે હવે.

હાં...હાં હાલાં! ર

હાલ્ય વાલ્ય ને હલકી,

આંગણે રોપાવો રે રુડી ગલકી;

ગલકીનાં ફૂલ છે રાતાં,

ભાઈનાં મોસાળીઆં છે માતા;

માતાં થૈને આવ્યાં,

આંગલાં ટોપી રે લાવ્યાં;

આંગલાં ટોપીએ નવનવી ભાત,

ભાઈ તો રમશે દા’ડો ને રાત;

મોસાળમાં મામી છે ધુતારી

આંગલાં લેશે રે ઉતારી;

મામાને માથે રે મોળીઆં,

ભાઈનાં ઉતરાવશે હીંગળોકીઆં ઘોડીઆં.

હાં...હાં હાલાં! ૩

હાલ્ય વાલ્ય ને હેવૈયો,

ભાઈને ભાવે રે લાડુ સેવૈયો;

સેવૈયો પડ્યો છે શેરીમાં,

ભાઈ તો રમશે મા’દેવની દેરીમાં;

દેરીએ દેરીએ દીવા કરું,

ભાઈને ઘેરે તેડાવી વિવા કરું,

વિવા કરતાં લાગી વાર,

ભાઈના મામા પરણે બીજી વાર,

હાં...હાં હાલાં! ૪

હાલ્ય વાલ્યના રે હાકા,

લાડવા લાવે રે ભાઈના કાકા,

હાલ્ય વાલ્ય ને હુવા,

લાડવા લાવે રે ભાઈના ફૂવા;

ફૂવાના તો ફોક,

લાડવા લાવશે ગામનાં લોક;

લોકની શી પેર,

લાડવા કરશું આપણે ઘેર;

ઘરમાં નથી ઘી ને ગોળ,

લાડવાં કરશું રે પોર;

પોરનાં ટાણાં વયાં જાય,

ત્યાં તો ભાઈ મોટો થઈ જાય.

હાં...હાં હાલાં! પ

હાલ્ય વાલ્ય ને હેલ્ય,

વગડે વસતી રે ઢેલ્ય;

ઢેલ્યનાં પગલાં તો રાતાં,

ભાઈના કાકા મામા છે માતા.

હાં...હાં હાલાં! ૬

હાલ્ય વાલ્ય ને હડકલી,

ભાઈને ઓઢવા જોવે ધડકલી.

હાં...હાં હાલાં! ૭

ભાઈ મારો છે વણઝારો,

સવા શેર સોનું લઈ શણગારો;

સોનું પડ્યું છે શેરીમાં

ભાઈ મારો રમશે મા’દેવજીની દેરીમાં.

હાં...હાં હાલાં! ૮

ભાઈને દેશો નૈ ગાળ,

ભાઈ તો રિસાઈ જાશે મોસાળ;

મોસાળે મામી છે જૂઠી,

ધોકો લઈને રે ઊઠી;

ધોકો પડ્યો છે વાટમાં,

ને ભાઈ રમે રે હાટમાં.

હાં...હાં હાલાં! ૯

ભાઈ મારો છે ડાયો,

પાટલે બેસીને રે નાયો;

પાટલો ગ્યો રે ખસી,

ભાઈ મારો ઊઠ્યો રે હસી.

હાં...હાં હાલાં! ૧૦

ભાઈ મારો છે સાગનો સોટો,

આવતી વહુનો ચોટલો મોટો.

હાં...હાં હાલાં! ૧૧

ભાઈ મારો છે લાડકો,

જમશે ઘી સાકરનો રે વાડકો;

ઘી સાકર તો ગળ્યાં,

ભાઈના વેરીનાં મોં બળ્યાં;

ઘી સાકર ખાશે મારા બચુભાઈ,

વાટકો ચાટે રે મીનીબાઈ.

હાં...હાં હાલાં! ૧ર

ભાઈ મારો છે રે રાંક,

હાથે સાવ સોનાનો છે વાંક,

વાંકે વાંકે રે જાળી,

ભાઈની સાસુ છે કાળી!

વાંકે વાંકે રે ઘૂઘરી,

ભાઈની કાકી મામી છે સુઘરી!

વાંકે વાંકે મોતી થોડાં,

ભાઈને ઘેર ગાડી ને ઘોડાં;

ઘોડાંની પડઘી વાગે,

ભાઈ મારો નીંદરમાંથી જાગે;

ઘોડાં ખાશે રે ગોળ,

ભાઈના ઘેરે હાથીની રે જોડ.

હાં...હાં હાલાં! ૧૩

ભાઈ મારો છે ગોરો,

એની હોકમાં સોનાનો દોરો;

દોરે દોરે રે જાળી,

ભાઈની કાકી રે કાળી.

હાં...હાં હાલાં! ૧૪

ભાઈ મારો છે હટારો,

ઘી ને ખીચડી ચટાડો,

ખીચડીમાં ઘી થોડું,

ભાઈને સારું વાઢી ફોડું.

ઘી વિના ખીચડી લૂખી,

ભાઈના પેટમાં રે દુઃખી!

હાં...હાં હાલાં! ૧પ

ભાઈ ભાઈ હું રે કરું,

ભાઈ વાંસે ભૂલી ફરું;

ભાઈને કોઈએ દીઠો,

ફૂલની વાડીમાં જઈ પેઠો,

ફૂલની વાડી વેડાવો,

ભાઈને ઘેરે રે તોડાવો.

હાં...હાં હાલાં! ૧૬

હડ્ય તુતુડાં હાંકું,

ભાઈને રોતો રે રાખું;

તુતુડાં જાજો દૂર,

ભાઈ તો શિરાવશે દૂધને કૂર;

દૂધને કૂર તો લાગે ગળ્યાં,

ભાઈના આતમા રે ઠર્યા;

હડ્ય તુતુડાં હસજો,

વાડીમાં જઈને રે વસજો.

હાં...હાં હાલાં! ૧૭

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ