tewtewDani toli mali - Lokgeeto | RekhtaGujarati

તેવતેવડાની ટોળી મળી

tewtewDani toli mali

તેવતેવડાની ટોળી મળી

તેવતેવડાની ટોળી મળી,

ને દડુલાની રમત ચડી.

દુલો દોટાવ્યો વીર,

જઈ પડ્યો જળ જમુના નીર,

દડો લેવાને હરિ જળમાં પડ્યા,

ને કાંઠે ગોવાળીઆ ઊભા રહ્યા.

ગોવાળીએ જઈ વાત કરી;

ને માતાની સુધ ઊડી ગઈ :

મોર્ય માતને પાછળ તાત

સઘળો રે ગોકુળનો સાથ.

આગળ આવી આરો જુવે,

ને જળ દેખી જશોદાજી રૂવે,

‘જો જશોદા જળમાં પડે

તો મા પહેલાં છોરૂ નવ મરે;

પોયણ પાંન આડું ધરી

ને જળમાં ઊભા જુવે હરિ :

એટલી ઘડી હરિ જળમાં રહ્યા,

પછી તો પાતાળે ગયા.

કાળન્દ્રીનાં કાળા નીર,

મહી પડ્યા છે જાદવ વીર :

કાળન્દ્રીનું અકળ કળાય,

મહીં પડ્યું છે નાનું બાળ.

હાલ્ય હાલ્ય......!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 161)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, મનોરમાબહેન ભટ્ટ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963