gowind halarun - Lokgeeto | RekhtaGujarati

ગોવિંદ હાલરું.

gowind halarun

ગોવિંદ હાલરું.

પહેલા તે માસનાં વધામણાં હરિ હાલરું રે,

બીજો માસ જાય રે ગોવિંદ હાલરું રે.

તીજા તે માસનાં વધામણાં હરિ હાલરું રે,

ચોથો માસ જાય રે ગોવિંદ હાલરું રે.

પાંચમા તે માસનાં વધામણાં હરિ હાલરું રે,

છઠ્ઠો માસ જાય રે ગોવિંદ હાલરું રે.

સાતમા તે માસનાં વધામણાં હરિ હાલરું રે,

આઠમો માસ જાય રે ગોવિંદ હાલરું રે.

નવમા તે માસનાં વધામણાં હરિ હાલરું રે,

દશમે જન્મ્યો કહાન રે ગોવિંદ હાલરું રે.

બાળક રહીને બોલયું હરિ હાલરું રે,

માડી! મને ‘હાલા’ ગાવ રે ગોવિંદ હાલરું રે.

જતાં તે નાખીશ હીંચકો હરિ હાલરું રે,

આવતાં ‘હાલા’ ગાઈશ રે, ગોવિંદ હાલરું રે.

બાળક રહીને બોલિયું રે, હરિ હાલરું રે,

માડી! મને દાતણ દેવરે, ગોવિંદ હાલરું રે.

પિત્તળ લોટો જલે ભર્યો, હરિ હાલરું રે,

દાડમ દાતણ દઈશ રે, ગોવિંદ હાલરું રે.

બાળક રહીને બોલિયું, હરિ હાલરું રે,

માડી! મને નાવણ દેવ રે, ગોવિંદ હાલરું રે.

તાંબા તે કૂંડી જાળે ભરી હરિ હાલરું રે,

દૂધડે સમોવણ દઈશ, ગોવિંદ હાલરું રે.

બાળક રહીને બોલિયું, હરિ હાલરું રે,

માડી! મને ભોજન દેવ રે, ગોવિંદ હાલરું રે.

સોના તે થાળી ભોજન ભરી, હરિ હાલરું રે,

ગરગરિયો કંસાર રે, ગોવિંદ હાલરું રે.

બાળક રહીને બોલિયું, હરિ હાલરું રે,

માડી! મને મુખવાસ દેવ રે, ગોવિંદ હાલરું રે.

લવિંગ, સોપારી, એલચી, હરિ હાલરું રે,

બીડલે બાસઠ પાન રે, ગોવિંદ હાલરું રે.

બાળક રહીને બોલિયું, હરિ હાલરું રે,

માડી! મને બેસણ દેવ રે, ગોવિંદ હાલરું રે.

સંઘાતે માંચી હીરે ભરી, હરિ હાલરું રે,

બાજઠ બેસણ દઈશ રે, ગોવિંદ હાલરું રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 145)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957