gokul athamno janm thayo ne - Lokgeeto | RekhtaGujarati

ગોકુળ આઠમનો જન્મ થયો ને

gokul athamno janm thayo ne

ગોકુળ આઠમનો જન્મ થયો ને

ગોકુળ આઠમનો જન્મ થયો ને,

પડદે રમ્યા મહારાજ,

લોક આવીને ઊભા રહ્યા પછી,

આવતા રહ્યા ભગવાન.

બાળકને હાલરડું વહાલું.

સોના-રૂપાનું મારું ઘોડિયું ને,

હીરલા દોરી હાથ,

એક હીંચકડો નાંખજે રે બાઈ,

કા’નાને રળિયાત! બાળકને. 2

કા’ન તમારો ઘેલડો ને,

રુએ છે જાણી જાણી,

છાનો રે’ છોકરા! સૂઈ જા! તારી

માતાજી ગ્યાં છે પાણી. બાળકને. 3

પાણી ભરી માતા મદભર્યાં આવ્યાં,

ઊને જળે નવરાવ્યા,

સારા રૂમાલમાં વીંટાળી પછી,

ઉરમાં લઈ ધવરાવ્યા. બાળકને. 4

જમે છે બ્રાહ્મણ ચૂરમે ને,

ખોબલે પિરસાવી ખાંડ,

ખભા ઝાલીને ઊભાં રહ્યાં પછી,

કોડે વીંધાવ્યા કાન. બાળકને. 5

સાચી સિવડાવું ઝૂલડી ને,

માથે સોનેરી ટોપી,

ખોઈ ભરાવું ખારેકની પછી,

જોવા આવે વ્રજગોપી.

બાળકને હાલરડું વહાલું!! 6

રસપ્રદ તથ્યો

હાલરડામાં પ્રત્યેક કડીને છેડે ‘ઓળોળોળો હાલ્ય...હાલાં’ બોલવાનું હોય છે. (છાપતી વખતે એ રાખ્યું નથી.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959