sitano pawaDo - Lokgeeto | RekhtaGujarati

સીતાનો પવાડો

sitano pawaDo

સીતાનો પવાડો

બાર વરસની સીતા થાય, લેઈ પાટી ને ભણવા જાય.

ભણી ગણીને ચતુર થાય, રામના ઘરમાં માગાં જાય.

હાથમાં લાલ લાકડી સાઈ, માગાં લઈ જાય લખમણભાઈ,

માગાં લઈ ને આયવા ઘેર, કરો હવે માંડવાની પેર.

કુંવારે ખરાં ભરાય, કોથરે કોથરે સીતા ભરાય,

એકડ બેકડ ગાડાં જાય, ભૂતીઆ વડે ટોળે થાય.

ભૂતીઆ વડનું ખયરું પાન, ગાંડા ચાલે આડે રાન,

પાંચીઓ દુબરો આગેવાન, ગાડાં ઘાલે ઉંડા રાન.

જેના રે બળદના જોર, તે તો ભરો આખી પોર,

રાતમાં મંડાઈ રૈ ચોરી, હાંકો ગાડાં ઘેર જોડી.

કોઈની રે હાંબેલ ચોરાય, કોઈના રે જોતર ચોરાય,

હીંગડી છોરી કે’વાય, ઘમોડે પહેલી જોડાય.

ધોરી રાહના ધોરીખારી, ત્યાં ધોરી રે ઘાલી મૂરી,

ગભાણેથી છોડો દોર, કાઢો કારા બળદની જોડ.

કાલિયું ને ભીંગારિયું નામ, પૂરાં ગાડાં કાઢે ઠામ,

ગામના ઝાંપે લાકડ આવે, ગામના સુથારી કાપે.

માંડવે પોપટ ને સૂડો, માંડવડો દેખાય છે રૂડો.

પહેલી ચોરીએ બોલા બોલ, બીજી ચોરીએ વાયગા ઢોલ;

ત્રીજી ચોરીએ દીધાં દાન, ચોથી ચોરીએ પયણાં રામ.

પયણાં અમણાં હતળમાં, મઢી બંધાવો કરમમાં.

રામ તો ખોદાવે કૂવો, સીતા વાવી જુએ ડમરો,

આઠે દા’ડે પાણી પીએ, ડમરો લીલો લેરાં લીએ,

સોના ચાંચ, રૂપાની ખરી, ડમરો મરગ જાયે ચરી.

ડમરો મરગ જાયે ચરી, ત્યાં સીતાની નજરું ઠરી.

રામ રે મારા ભરથાર, મરગ મારી ચોરી શીવરાય,

રામ તો રીસે બયરા, ધનુષ બાણ લઈને નીસયરા.

રામ તો રમેલા જાય, મરગલા ઉડાણ ખાય,

ઉંચા મોરે ધમનો ડાગો, ત્યાં મરગ ચરવા લાયગો.

ગુંઠણ દઈને માયરૂં બાણ, મરગને પાયડો વીંધાણ,

મરતો મરગ વાચા ખાય, આવ્યે મુઓ રામભાઈ.

મરગની કાવડ બાંધે, એવડ બેવડ વરતા આવે,

મરગલા પર ભમે મોર, સીતાને લઈ ગયા ચોર.

ડહકે ડહકે રામ રૂએ, સીતાનાં તાં પગલાં જુએ,

નો રડ તું રામભાઈ, સીતા સરખી લાવશું કંઈ,

વાંદરા બેઠા આરાહોર (હારાદોર) ગણી કાયઢા છીપન કરોડ.

રામની મુંદરીકા (વીંટી) છે કરે, કોઈ વાંદર હાથ ની ઘરે.

વડો વાંદર બોલે એમ, પાનનું બીડું ઝડપી લેય,

પાનનું બીડું ઝડપી લેય, જઈ લંકાના ખબર લેય.

આશોપાલવની ચિત્તરૂ છાયા, ત્યાં સીતા હીંડોળા ખાય.

સીતા માતા ભોજન દે, રામનો વાંદર ભૂખ્યો છે.

જા રે વાંદર વાડીમાં, હેઠે પયડા વીણી ખા.

પયડાની પાંહે ની જાઉં, ઉંચેનાં ચોરી ખાઉં.

વાંદરભાઈ ને લાયગો કાળ, ઉંચાં મૂલ ને નીચા ફાલ.

માળી તો પોકારતો જાય. રાજા, વાડી ખરાબ થાય.

ઉંચું જાય ને એઠું (હેઠું) આવે, જાનવર કેમ હેવાય?

ઘરડા ડોહાએ માંયડો પાર, વાંદર પકયડો ડોક પરાર.

જે આવે મારે ઢીંક, વાંદરને આવે છીંક.

‘કહે વાંદર હાચું કે’, તારૂં મોત હામાં છે?

બાર ઘાણી કાપડ તેલ, વાંદર પૂછ લગાડી મેલ,

વાંદર ચાલે શેરીએ, લંકા બળે મેડીએ.

વાંદર ચાલે ઠણકલે, લંકા બળે ભડકલે.

પૂંછડા ભણી દાજવા લાયગો, દરિયા ભણી ચાલવા લાયગો,

તરજવા દાંડીનો તોલ, તે પવડાનો છેલ્લો બોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 194)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966