gurjari - Lokgeeto | RekhtaGujarati

ગુર્જરી

gurjari

ગુર્જરી

[ઊભા ઊભાનો એક તાળીનો રાસડો]

કે કાબુલસેં બાદશા ચડે ને સારી દીલ્હીકા દિવાન રે.

કે બાદશા ઊતરે બાગમેં મેં ક્યા મસ દેખન જાઉં રે,

કે હાથમે લઉં લાલ માટલી, કંદોયણ હો કે જાઉં રે.

કે બાદશા ઊતરે બાગમેં મેં ક્યા મસ દેખન જાઉં રે,

કે હાથમેં લઉં લાલ બેડલું, પનિહારણ હો કે જાઉં રે.

કે બાદશા ઊતરે બાગમેં મેં ક્યા મસ દેખન જાઉં રે,

કે હાથમેં લઉ લાલ લાકડી ગોવાલણ હો કે જાઉં રે.

કે બાદશા ઊતરે બાગમેં મેં ક્યા મસ દેખન જાઉં રે,

કે હાથમેં લઉં ફૂલછાબડી મેં માલણ હો કે જાઉં રે.

કે ફૂલફગરનો ઘાઘરો સાળુડે કસબી કોર રે.

કે કડલાં કાંબી અણવટ વિંછવાં ઝાંઝરનો ઝમકાર રે,

કે બાંયે બાજુબંધ બેરખા અને દશે આંગળીએ વેઢ રે.

કે કાને કલાફૂલ શોભતાં ને વળી ઝીણી ઝબૂકે ઝાલ રે,

કે કોટે તે પાટિયાં શોભતાં અને કંઠે એકાવળ હાર રે.

કે લીલી ગજીનું કાપડું ને ગજમોતીનો હાર રે,

કે કાને તે વાળીઓ શોભતી ને ટીલડી તપે લેલાટ રે.

કે બાલે બાલે મોતી પરોવ્યાં જાણે ઊગ્યો સૂરજ ભાણ રે,

કે છોટી મટકીમાં દહીં જમાયો દૂધ લિયો મણ ચાર રે.

કે સાસુ કહે તુમ સુણો બવરિયાં, લશ્કરમેં મત જાવ રે,

કે દિલ્લી શે’ર કો બાદશાહ તુજે રખેગો મહેલોનમાંય રે.

કે સાસુનાં વાર્યાં ના વળ્યાં વહુ મહી વેચવાને જાય રે,

કે ચલી ગુજરીયાં દહીં બેચનકું બાદશાહ કે દરબાર રે.

કે અઈયર લ્યો કોઈ મહિયર લ્યો કોઈ લ્યોને મીઠડાં દૂધ રે,

કે હાટે મોહ્યા હાટ-વાણિયા ને ચોરે મોહ્યા ચોપદાર રે.

કે ચલી ગુજરિયાં મહી બેચનકું, બેઠી લાલ બજાર રે,

કે બાદશાહ કું તો ખબર હુઈ ને ગુજરી દેખન આય રે.

કે અલિયાં ગલિયાં ક્યા ફિરના ગોરી! પેઠો પડદા માંહ્ય રે,

કે પડદેમેં બેઠી મોજા કરો ગોરી ચાવો નાગરપાન રે.

કે અલિયાં ગલિયાં બહોત ભલી તેરે પડદે લગા દઉં આગ રે,

કે હિંદવાણી, તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે?

કે બાદશાહ કહેવે, સુણ ગુજરી, તુમ સુણો અમેરી બાત રે,

કે કાથ કથીરમેં ક્યા પહેરના, ગેારી પે’રો સેાના શેર રે.

કે કાથ કથીર મેરે બોત ભલો તેરે સોને લગા દઉં આગ રે,

કે હિંદવાણી, તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે.

કે બાદશા કહેવે, સુણ ગુજરી, તુમ સુણો અમેરી બાત રે,

કે કાળી કામળ મે ક્યા ઓઢના ગોરી, પે’રો દખણી ચીર રે.

કે કાળી કામળ મેરે બહોત ભલી તેરે ચીરકું લગા દઉં આગ રે,

કે હિંદવાણી, તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે.

કે બાદશા કહેવે, સુણ ગુજરી, તુમ સુણો અમેરી બાત રે,

કે ઘેંશ છાસમે ક્યા ખાના, ગોરી, ખાઓ મિઠાઈ માલ રે.

કે ઘેંશ છાશ મેરે બહોત ભલી મેરા હિંદુકા અવતાર રે,

કે હિંદવાણી, તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે.

કે બાદશા કહેવે, સુણ ગુજરી, તુમ સુણો અમેરી બાત રે,

કે મકના હાથી અજબ બન્યા, ગોરી, હાથી દેખન આવ રે.

કે તેરે હાથીમે ક્યા દેખના, મેરે આંગણ ભૂરી ભેંસ રે,

કે ટંકે સવામણુ દૂધ કરે, તારા હાથીસે ભલી મેરી ભેંસ રે,

કે હિંદવાણી, તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે.

કે બાદશા કહેવે, સુણ ગુજરી, તુમ સુણો અમેરી બાત રે,

કે મેરા કુંવર, ગોરી, અજબ બન્યા ને કુંવર દેખન આવ રે.

કે તેરા કુંવર મેં ક્યા દેખના, મેરે ઘેર એસા ગોવાલ રે,

કે હિંદવાણી, તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે.

કે બાદશા કહેવે, સુણ ગુજરી, તુમ સુણો અમેરી બાત રે,

કે સેાળસેં રાણી મેરી ખૂબ બની તે રાણી દેખન આવ રે.

કે તેરી રાણીમેં કયા દેખના, મેરે ઘેર એસી પનિયાર રે,

કે હિંદવાણી, તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે.

કે બાદશા કહેવે, સુણ ગુજરી, તુમ સુણો અમેરી બાત રે,

કે મેરા ઘોડા અજબ બન્યા, ગોરી ઘોડા દેખન આવ રે.

કે તેરા ઘોડામેં ક્યા દેખના, મેરે ઘેર ગવરી ગાય રે,

કે હિંદવાણી, તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે,

કે બાદશા કહેવે, સુણ ગુજરી, તુમ સુણો અમેરી બાત રે.

કે મેરી મૂછો અજબ બની, ગોરી મૂછો પે મોહી આવ રે,

કે તેરી મૂછોમાં ક્યા દેખના, મેરે બકરેકું એસા પૂંછ રે.

કે હિંદવાણી, તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે,

કે બાદશા કહેવે, સુણ ગુજરી, તુમ સુણો અમેરી બાત રે.

કે કિયું તમારું સાસરું ને કિયા પુરુષ ઘેર નાર રે?

કે ગઢગોકુળ મારું સાસરું ને ચંદા પુરુષ ઘેર નાર રે.

કે કોણ દેશની તું ગોવાલણી ને શું છે તમારું નામ રે?

કે ગઢ માંડવની ગોવાલણી ને મેના ગુજરી નામ રે.

કે છોટી મટકીકા મૂલ કરો, ગેારી ઉસકા ક્યા હોય મૂલ રે?

કે છોટી મટકીકા મૂલ કરું તો તેરી શુદ્ધબુદ્ધ જાવે ભૂલ રે.

કે હિંદવાણી, તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે.

કે બાદશા કહેવે, સુણ ગુજરી, તુમ સુણો અમેરી બાત રે.

કે દુસરી મટકીકા મૂલ કરો ને ગોરી ઉસકા કયા હોય મૂલ રે?

કે દુસરી મટકીકા મૂલ કરું તેરી સોલસેં રાણી ડૂલ રે,

કે હિંદવાણી, તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે.

કે બાદશા કહેવે, સુણ ગુજરી, તુમ સુણો અમેરી બાત રે,

કે તીસરી મટકીકા મૂલ કરો ને ગોરી ઉસકા કયા મૂલ હોય રે?

કે તીસરી મટકીકા મૂલ કરું, તેરા મકના હાથી ડૂલ રે,

કે હિંદવાણી, તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે.

કે બાદશા કહેવે, સુણ ગુજરી, તુમ સુણો અમેરી બાત રે,

કે ચોથી મટકીકા મૂલ કરો ને ગોરી ઉસકા કયા હોય મૂલ રે,

કે ચોથી મટકીકા મૂલ કરું તારી સારી દિલ્લી ડૂલ રે,

કે હિંદવાણી, તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે.

કે બાદશા કહેવે સુણ ગુજરી તુમ સુણો અમેરી બાત રે,

કે તેરા રૂપ તે કિને દિયા જાણે સોનું ઘડે સોનાર રે,

કે અલ્લામિયાંને મુજે રૂપ દિયા ને કરમ દિયા કિરતાર રે,

કે હિંદવાણી, તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે.

કે ગલબલ ગલબલ ક્યા બોલતી, ગોરી, બોલો સમજકી વાત રે,

કે અકડ છકડ ગોરી ક્યા બોલતી, કંઈ છકડ લગાઉં દો ચાર રે.

કે હાથે ડાલી રે હાથકડિયાં ને હાથી પર બેઠાય રે,

કે હાથી કે હોદ્દે પર બેઠી કોઈ લેવે નામ રે.

કે મને જાણીશ એકલી, મારાં ગુર્જર ચડે નવ લાખ રે,

કે હિંદવાણી, તું હરામજાદી, બાદશાકું દેવે જવાબ રે.

કે ગુજરી કહેવે, સુણ બાદશાહ, તુમ સુણો અમેરી વાત રે.

કે મારું તમાચા ને ઉડ જાય પાઘડી મુખડાં હો જાય લાલ રે,

કે ટકે ટકે તેરા ટટ્ટુ બેચાઉં ને દમડીકા દસ ઊંટ રે.

કે ટકે ટકે તેરી ઢાલ બેચાઉં ને દો કોડી તલવાર રે.

કે બાદશાકુ તે ગુસ્સા લગા ને ડાલી બેડી માંય રે,

કે બ્રાહ્મણ વીરા, વીનવું! તને આલું હૈયાનેા હાર રે.

કે કાગળ જઈને આપજે મારા હીરિયા દેરને હાથ રે,

કે હીરિયે કાગળ વાંચિયો ને ભાઈ ગુજરી પડી બેડી માંય રે.

કે ચંદિયે કાગળ વાંચિયો ને ભાઈ ગુજરી પડી બેડી માંય રે,

કે છો ને પડી, ભાઈ પડવા દો એવી લાવીશું બે ચાર રે.

કે તાણી બાંધો, ભાઈ, ઢાલ-તરવારને તાણી બાંધી હથિયાર રે,

કે શૂરા હાય સો સાથ ચલેા ને નહિ કાયરકા કામ રે.

કે કેસરિયા, ભાઈ, વાઘા પહેરો હો જાઓ લાલ ગુલાલ રે,

કે ત્યાંથી હીરિયો દોડીયો ને ગયો ઘોડારની માંય રે.

કે તાણી બાંધો તંગડો, ભાઈ ઢીલી મેલોને લગામ રે,

કે દિલ્લી જીતી ઘેર આવું તો રેવંત મારું નામ રે.

કે હીરિયો ચંદિયો ઘોડે ચડ્યા ને ગુજર ચડ્યા નવ લાખ રે.

કે હીરિયે ઘોડો ખેડિયો ને ધોબી માર્યા પચાસ રે.

કે લેજે ભવાની ભોગ તો ગુજર કેરો રોગ રે,

કે ચંદિયે ઘોડો ખેડિયો ને જાય દિલ્લી મેદાન રે.

કે હીરિયો પેઠો શહેરમાં કંદોઈ નાઠા જાય રે,

કે તોપોકી ઘુમરોળ હુઈ ને હુઆ અંધારા ઘોર રે.

કે બાદશાકું તો ખબર નહિ ને રૈયત નાઠી જાય રે.

કે સૂતો બાદશા જાગજે, તારે નગર પડયો ભેંકાર રે.

કે સૂતો બાદશા જાગિયો, ભાઈ, ક્યા હોતા ધમરોળ રે.

કે સૂતો બાદશા જાગિયો, ને મુગલ ચડ્યા બાણું લાખ રે.

કે તાંબાળું નોબત ગડગડે ને એના ઢમકે વાગે ઢોલ રે.

કે ફાગણ સુદ ચૌદશના દા'ડે મામલો મચિયો જોર રે.

કે ગુજરી રહીને બોલિયાં ને બોલ્યાં એક બોલ રે.

કે હીરિયો પહેરે કાંચળી ને હથિયાર મુજને આલ રે.

કે બાદશા સાથે એસી લડું મેરા જુગમાં હો જાય નામ રે.

કે તલવારોની તાળી પડે ને બરછી ચાવે પાન રે.

અગાડી પિછાડી ડેરા તાણો ને બીચમાં રખો મેદાન રે,

કે વચમાં રાખો ગુજરી, ભાઈ, જીતે તે લઈ જાય રે.

કે હીરિયો ને ચંદિયો બોલિયા, રાજા સાંભળો અમારી વાત રે,

કે પહેલો તે ઘાવ તમે કરો ને અમે તમારી રૈયત રે.

કે પહેલો ઘાવ બાદશાએ કીધો ગુજર લશ્કર માંય રે,

કે હીરિયો ને ચંદિયો ગુસ્સે થયા જેમ બકરામાં પડ્યા વાઘ રે,

કે તલવારોની તાળી પડે ને લોહીના વરસ્યા મેઘ રે,

કે તમારી ગુજરી તમને મુબારક, ગુજરી હમારી બેન રે.

(કથાની સમાપ્તિ તો આંહીં શોભે, પણ પાછળથી લોકમાનસમાં ધાર્મિક કે

કોમી સંકુચિતતા પેઠી હશે તે વેળામાં સાંકડી લોકવૃત્તિ પર કટાક્ષ કરવા કોઈએ

છેલ્લો પ્રસંગ ઉમેર્યો હશે:)

કે ત્યાંથી ગુજરી ચાલિયાં ને ગયાં સાસુને ઘેર રે,

કે સાસુ મે'ણાં બોલિયાં, વહુ, જાવ બાદશાને ઘેર રે.

કે વહુઅરને જવા દિયો, હું બીજી પરણાવું કાલ રે,

કે ત્યાંથી ગુજરી ચાલિયાં ને ગિયાં નણદલને ઘેર રે.

કે નણદલ મે’ણાં બોલિયાં, ભાભી, જાવ બાદશાને ઘેર રે,

કે ત્યાંથી ગુજરી ચાલિયાં ને ગિયાં પાવાગઢમાંય રે,

કે પાવા તે ગઢમાં અલોપ થઈ ગઈ મહાકાળી કહેવાય રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 113)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ