premba patlan - Lokgeeto | RekhtaGujarati

પ્રેમબા પાતળાં

premba patlan

પ્રેમબા પાતળાં

સોના ઈંઢોણી રૂપા બેડલું મારુજી,

પ્રેમબા મારે પાણિયારીની હાર રે; મુંગલો પઠાણ ઊભો પાળિયે મારુજી.

આડા આવળા મુંગલે ઘોડા ખેલવ્યા મારુજી,

હેરી ગ્યો એને ડેલીને દરબાર જો; હમણાં છોડાવું પ્રેમબા પાતળાં મારુજી.

પ્રેમબાના દાદા કાગળ મોકલે મારુજી,

પ્રેમબા, મારા ઓરડીઆનાં રૂપ રે; હમણાં છોડાવું પ્રેમબા પાતળાં મારુજી.

હવે છોડાવી દાદા, શું કરો મારુજી,

મુંગલો લખ્યો મારે લેલાડ રે; ખીચડી ખાધી રે મસલમાનની મારુજી.

પ્રેમબાનાં માતા કાગળ મોકલે મારુજી,

પ્રેમબા મારા પાણિયારીનાં તેજ રે; હમણાં છોડાવું પ્રેમબા પાતળાં મારુજી.

હવે છોડાવી માતા, શું કરો મારુજી?

મુંગલો લખ્યો મારે લેલાડ રે; બંગડી પેરી રે મસલમાનની મારુજી.

પ્રેમબાના વીરા કાગળ મોકલે મારુજી,

પ્રેમબા મારા ઘરનો અંજવાસ રે; હમણા છોડાવું પ્રેમબા પાતળાં મારુજી.

હવે છોડાવી વીરા, શું કરો મારુજી?

મુંગલો લખ્યો મારે લેલાડ રે; ઈજાર પેરી રે મસલમાનની મારુજી.

પ્રેમબાનાં ભાભી કાગળ મોકલે મારુજી,

પ્રેમબા મારાં રાંધણિયાનાં રાજ રે; હમણા છોડાવું પ્રેમબા પાતળાં મારુજી.

હવે છોડાવી ભાભી, શું કરો મારુજી?

મુંગલો લખ્યો મારે રે લેલાડ રે; મસિયું દેવરાવી મુસલમાનની મારુજી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 198)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ખોડીદાસ પરમાર, શીલાબેન મેરૂભાઈ, જીવીબેન ડોડિયા, રતનબેન વેગડ, જીવીબેન ચૌહાણ, વખતબેન પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968