krishnni lila - Lokgeeto | RekhtaGujarati

કૃષ્ણની લીલા

krishnni lila

કૃષ્ણની લીલા

કૃષ્ણજી ચાલ્યા દુવારકા રે,

કાંઈ રાણી રાધા વળાવા જાય, તમો પરવારી રે;

તમે ચેટલા દા’ડે ઘેર આવશો રે?

મને વદાડ કરતા જાવ, તમો પરવારી રે;

તમો વના મારે ઘડીએ ના ચાલે રે,

હું ચેટલાક માસ જોઉં વાટ, તમો પર વારી રે;

ગોરી, આંજણે ઊભો પારસ પેંપરો રે,

એના ગણી ગણી જોજો પાન, તમો પર વારી રે;

રે પરહુજી એવા બોલ બોલશો રે,

મને હાંચું કઈને તમે જાવ, તમે પર વારી રે;

કૃષ્ણજી ચાલ્યા દુવારકા રે,

રાણી રાધા વળાવા જાય, તમો પર વારી રે;

માર આયાના દન ગોરી, ચાર રે,

અમે આવશું બારે માસ, તમો પર વારી રે;

તમો વના મારે ઘડીએ ચાલે રે,

મને મૂરત આલી જાવ, તમો પર વારી રે;

હાથની અંગૂઠડી ને તમારો રૂમાલ રે,

મને એટલું આલીને જાવ, તમો પર વારી રે;

રાધાજી વળાવીને ઘેરે સઘાર્યાં રે,

કાંઈ જોવે પરહુજીની વાટ, તમો પર વારી રે;

કૃષ્ણજી ચાલ્યા દુવારકા રે,

રાણી રાધા વળાવા જાય, તમો પર વારી રે;

કાંઈ ગોકુળ તે ગામને ગોંદરે રે,

કાંઈ લીલા-પીળા તંબુ તાણ્યા, તમો પર વારી રે;

કાંઈ હીરા જડેલ લાયા ચુડલા રે,

કાંઈ થઈ બેઠા મનિયાર, તમો પર વારી રે;

કાંઈ પે’લો તે ચુડલો ઘડિયો રે,

રાણી ભરમાણીને કાજ, તમો પર વારી રે;

કાંઈ બીજો ને ચુડલો ઘડિયો રે,

રાણી પારવતીને કાજ, તમો પર વારી રે;

કૃષ્ણજી ચાલ્યા દુવારકા રે,

રાણી રાધા વળાવા જાય, તમો પર વારી રે;

કાંઈ તીજો તે ચુડલો ઘડિયો રે,

રાણી ઈંદિરાણીને કાજ, તમો પર વારી રે;

કાંઈ ચોથો તે ચુડલો ઘડિયો રે,

રાણી રાધાજીને કાજ, તમો પર વારી રે;

કાંઈ હોમા તે પાણી હાંચર્યાં રે,

તો આયા મનિયારની વાય, તમો પર વારી રે;

કાંઈ છેટા રેજો ને ગોરી વેગળાં રે,

મત અભડાય મોરી વાય, તમો પર વારી રે;

કૃષ્ણજી ચાલ્યા દુવારકા રે,

રાણી રાધા વળાવા જાય, તમો પર વારી રે;

કાંઈ જેમ તેમ કરી પાણી ભરિયાં રે,

કાંઈ હોમા સંઘાર્યાં ઘેર, તમો પર વારી રે;

ઊંચે ઝરુખડે ગોરી વાટ દેખતાં રે,

કાંઈ રાધાજી જોવે વાટ, તમો પર વારી રે.

હોમા તને ચડાવું કાંઈ હુરીએ રે,

કાંઈ આયાનાં ફરી જ્યા દન, તમો પર વારી રે.

તને આવલડી ચ્યાં લાજી વાર રે,

કાંઈ નખે તોડાવું તારી ખાલ, તમો પર વારી રે.

કૃષ્ણજી ચાલ્યા દુવારકા રે,

રાણી રાધા વળાવા જાય, તમો પર વારી રે.

કાંઈ ગોકુળ તે ગામને ગોંદરે રે,

કાંઈ આયો મનિયાર, તમો પર વારી રે.

હીરા જડેલા એના ચુડલા રે,

કાંઈ રૂપાળો બહુ મનિયાર, તમો પર વારી રે.

અઢી રૂપિયા આલું રોકડા રે,

કાંઈ મનિયારો દશેડ, તમો પર વારી રે.

હોમા ને રાધા હાંચર્યાં રે,

કાંઈ આયા મનિયારની વાય, તમો પર વારી રે.

કૃષ્ણજી ચાલ્યા દુવારકા રે,

રાણી રાધા વળાવા જાય, તમો પર વારી રે.

છેટા રે’જો ને ગોરી વેગળા રે,

કાંઈ મત અભડાવો મોરી વાય, તમો પર વારી રે.

મનિયારા, રે ચૂડલી કેંમત કેટલી રે,

તમે પે’રો તો ગોરી મફત પે’રાવું, તમો પર વારી રે.

કાંઈ પેલો તે ચૂડલો પે’રિયો રે,

કાંઈ બીજો મનિયારાને હાટ, તમો પર વારી રે.

કાંઈ બીજો તે ચૂડલો પે’રિયો રે,

કાંઈ તીજો મનિયારાને હાટ તમો પર વારી રે.

કૃષ્ણજી ચાલ્યા દુવારકા રે,

રાણી રાધા વળાવા જાય, તમો પર વારી રે.

કાંઈ તીજો તે ચૂડલો પે’રિયો રે,

કાંઈ ચોથો મનિયારાને હાટ, તમો પર વારી રે.

કાંઈ ચોથો તે ચૂડલો પે’રિયો રે,

આજ રસોયું જમો અમારે ઘેર, તમો પર વારી રે.

ગોરી, હેઠા હેંડયાનું મારે નેમ શે રે,

કાંઈ તેડી મને લઈ જાવ, તમો પર વારી રે.

ગોરી, હાથે બેસ્યાનું મારે નેમ શે રે,

મને તેડીને બેહાડ, તમો પર વારી રે.

કૃષ્ણજી તો ચાલ્યા દુવારકા રે,

રાણી રાધા વળાવા જાય, તમો પર વારી રે.

ગોરી, હાથે ના’યાનું મારે નેમ શે રે,

મને મહળીને નવરાય, તમો પર વારી રે.

ગોરી, હાથે બેસ્યાનું મારે નેમ શે રે,

મને બથોડી બેહાડ, તમો પર વારી રે.

ગોરી, હાથે જમ્યાનું મારે નેમ શે રે,

મને ચોળીને ખવરાય, તમો પર વારી રે.

કાંઈ મને ઓળસ્યો નઈ રાધા રાણીએ રે,

મને માન્યો શે મનિયાર, તમો પર વારી રે.

કૃષ્ણજી તો ચાલ્યા દુવારકા રે,

રાણી રાધા વળાવા જાય, તમો પર વારી રે.

હાથની અંગૂઠડી ને અમારો રૂમાલ રે,

કાંઈ અમને લાવી દશેડ, તમો પર વારી રે.

અમ જેવા ને અમારી જેવડા રે,

કાંઈ અમારા નામો નામ, તમો પર વારી રે.

અમ વના તો તમને ઘડીએ ના ચાલે,

અંગૂઠડી ને રૂમાલ લાય, તમો પર વારી રે.

કૃષ્ણજી તો ચાલ્યા દુવારકા રે,

રાણી રાધા વળાવા જાય, તમો પર વારી રે.

આપણાં તે ઘરમાં ઓંદર ઘણાં રે,

અંગૂઠડી ને રૂમાલ તાણી જાય, તમો પર વારી રે.

કાંઈ મનિયાર મટીને કરશનજી થયા રે,

જોવો રાધાજી, લીલા કે’વાય, તમો પર વારી રે.

રે કરશનજી, તમને તા પોકાય રે,

કાંઈ રાધાજી લાગે પાય, તમો પર વારી રે.

કૃષ્ણજી તો ચાલ્યા દુવારકા રે,

રાણી રાધા વળાવા જાય, તમો પર વારી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 157)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968