ubhi’ti re kani rangras mo’laman - Lokgeeto | RekhtaGujarati

ઊભી’તી રે કાંઈ રંગરસ મો’લમાં

ubhi’ti re kani rangras mo’laman

ઊભી’તી રે કાંઈ રંગરસ મો’લમાં

ઊભી’તી રે કાંઈ રંગરસ મો’લમાં, કાગળિયાં આવ્યાં રાજનાં, મોરા રાજ.

ઊઠ રે દાસી દીવડિયા અજવાળ્ય, કોરા રે કાગળ વાંચવા, મોરા રાજ.

દીવડિયા અજવાળંતાં લાગી વાર, ચાંદરણે કાગળ વાંચીઆ, મોરા રાજ.

કાગળમાં કાંઈ લખ્યું છે એમ રે, પરોઢિયે ઊઠીને ચાલવું, મોરા રાજ.

સસરાજીના અરજુનભીમ ભમરજી ચાલ્યા ચાકરી, મોરા રાજ.

લીલી ઘોડી, પીળો ચાબખો, ભમરજી ચાલ્યા ચાકરી, મોરા રાજ.

ચાકરીએ સસરાજીને મેલો, ભમર ઘેર આવશે, મોરા રાજ.

ભમરજીને દરબારી તેડાં, સસરા ગયે કેમ ચાલશે, મોરા રાજ.

ચાકરીએ મારા જેઠજીને મોકલાવો, ભમર ઘેર આવશે, મોરા રાજ.

જેઠ ઘરે મરડાબોલી નાર, ઘડીમાં ઝગડો લાગશે, મોરા રાજ.

ચાકરીએ મારા દિયરજીને મોકલાવો, ભમર ઘેર આવશે, મોરા રાજ.

દિયર ઘરે બાળી-ભોળી નાર, મહેલોમાં કેમ રહે એકલી, મોરા રાજ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 132)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968