ram sita - Lokgeeto | RekhtaGujarati

રામ-સીતા

ram sita

રામ-સીતા

સોનાની ગેડી ને રૂપલા દડુલો રે,

રામચન્દ્ર રમવા નિસર્યા રે;

ગેડી ના વાગે, દડુલો ના દોટે,

ગામને ગોંદરે વ્હાણાં વહી ગયાં રે.

સોનાનું બેડું રે, રૂપલા ઈંઢોણી રે,

સીતાવેલ પાણી સાંચર્યાં રે.

રાશ ના પૂગે, ઘડુલો ડુબે,

કૂવાને કાંઠે ઊભાં રિયાં.

કુણ છો રે, કુણ છો રે, કુણ રાયના બેટા રે?

ક્યી રે નગરીના ગરાસિયા?

કુણ તમારૂં નામ રે, કુણ તમારૂં નામ રે?

પરણ્યા કે બાળકુંવારડા?

હું છું રે, હું છું રે, દશરથ રાયનો બેટડો રે,

અજોધ્યા નગરીનો ગરાસિયો;

રામચન્દ્ર નામ રે, રામચન્દ્ર નામ રે,

હજી યે છું બાળકુંવારડો.

કુણ છો રે, કુણ છો રે, કુણ રાયની બેટી રે?

ક્યી રે નગરીનાં ગરાસણી?

કુણ તમારૂં નામ રે, કુણ તમારૂં નામ રે?

પરણ્યાં કે બાળકુંવરડાં?

હું છું રે, હું છું રે, જનકરાયની બેટી રે,

મિથિલા નગરીની ગરાસણી;

સીતાવેલ નામ રે, સીતાવેલ નામ રે,

હજી અમે બાળકુંવરડાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 138)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968