naneri shokya - Lokgeeto | RekhtaGujarati

નાનેરી શોક્ય

naneri shokya

નાનેરી શોક્ય

ધોળો તે ઘોડો હંસલો, મોરા રાજ,

એનાં પિત્તળિયાં પલાણ રે; તમ સાથે નહિ બોલું.

સાવ સોનાનું મારૂં બેડલું, મોરા રાજ,

રૂપલા ઈંઢોણી હાથ રે; તમ સાથે નહિ બોલું.

સરોવર પાણીડાં સંચરી, મોરા રાજ,

સાંભળી કાંઈ અવનવી વાત રે; તમ સાથે નહિ બોલું.

કોણે કીધું ને કોણે સાંભળ્યું, મોરા રાજ,

કોણે ચલાવી છે વાત રે; તમ સાથે નહિ બોલું.

ચાંદે કહ્યું ને સૂરજે સાંભળ્યું, મોરા રાજ,

વાયે ચલાવી છે વાત રે; તમ સાથે નહિ બોલું.

શાને તે લગને સાયબા પરણશો મોરા રાજ,

ક્યારે ઊઘલશે જાન રે; તમ સાથે નહિ બોલું.

સાતમને લગને ગોરી પરણશું, મોરા રાજ,

છઠ્ઠે ઊઘલશું જોડી જાન રે; તમ સાથે નહિ બોલું.

શા રે વાંકે સાયબા પરણશો, મોરા રાજ,

શા રે વાંકે લાવશો શોક્ય રે; તમ સાથે નહિ બોલું.

તમારા રે પોંચા ગોરી શામળા, મોરા રાજ,

ગોરા પોંચાલિયાની ખાંત રે; તમ સાથે નહિ બોલું.

તમારી તે વેણી ગોરી ટૂંકડી, મોરા રાજ,

લાંબી વેણીની છે ખાંત રે; તમ સાથે નહિ બોલું.

તમારાં તે છોરૂ ગોરી ગોબરાં, મોરા રાજ,

ભેગા બેસારવાની ખાંત રે; તમ સાથે નહિ બોલું.

તમારાં તે મૈયર ગોરી વેગળાં, મોરા રાજ,

ઢુંકડા મૈયરિયાની ખાંત રે; તમ સાથે નહિ બોલું.

તમારે ને બાંધવ ગોરી એકલો, મોરા રાજ,

સાત સાળાની છે ખાંત રે; તમ સાથે નહિ બોલું.

પરણી સરજીને સાયબો આવીઆ, મોરા રાજ,

લાવ્યા નાનકડી શોક્ય રે; તમ સાથે નહિ બોલું.

ઊઠો ગોરી રે રસોઈ કરો, મોરા રાજ,

જમશે નાનેરી શોક્ય રે; તમ સાથે નહિ બોલું.

કોના જેવી ને કોના જેવડી, મોરા રાજ,

કોણ સરીખી છે શોક્ય રે; તમ સાથે નહિ બોલું.

તારા જેવી ને તારા જેવડી, મોરા રાજ,

જાણે તારી નાનેરી બેન રે; તમ સાથે નહિ બોલું.

વચ્ચે ભરાવે ઘરમાં ભીંતડું, મોરા રાજ,

ત્યાં રે’શે નાનેરી શોક્ય રે; તમ સાથે નહિ બોલું.

વચમાં મેલાવો સાયબા જાળિયાં, મોરા રાજ,

નિત નિત ધડાકા લઈશ રે; તમ સાથે નહિ બોલું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 133)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968