phattesinh - Lokgeeto | RekhtaGujarati

ફત્તેસિંહ

phattesinh

ફત્તેસિંહ

રોંણી! તારા બાંધેલા બંગલા અમ્મર ઝૂલે રે;

રોંણી! તારા મો’લોનો રે’નારો ફત્તેસંગ ર્યો?

વળોદરું તજી ગયો રે!

રોંણી! તારી બારીઓનો બેસનારો ફત્તેસંગ ર્યો?

વળોદરું તજી ગયો રે!

રોંણી! તારા પિત્તળ લોટા જલે ભઈરા રે,

રોંણી! તારા દાતણનો કરનારો ફત્તેસંગ ર્યો?

વળોદરું તજી ગયો રે!

રોઁણી! તારી તોંબા કૂંડી જલે ભઈરી રે;

રોંણી! તારા નાવણનો કરનારો ફત્તેસંગ ર્યો?

વળોદરું તજી ગયો રે!

રોંણી! તારી સોના તે થાળી ભોજન ભઈરી રે;

રોંણી! તારા ભોજનને જમનારો ફત્તેસંગ ર્યો?

વળોદરું તજી ગયો રે!

રોંણી! તારા સાગ સીસમના ઢોલિયા રે;

રોંણી! તારા પોઢણનો પોઢનારો ફત્તેસંગ ર્યો!

વળોદરું તજી ગયો રે!

રોંણી! તારી લવિંગ સોપારી ને એલચી રે!

રોંણી! તારા મુખવાસનો કરનારો ફત્તેસંગ ર્યો?

વળોદરું તજી ગયો રે!

રોણી! તારાં સાગે સીસમનાં સોગટાં રે;

રોણી! તારા રમતનો રમનારો ફત્તેસંગ ર્યો?

વળોદરું તજી ગયો રે!

રોંણી! તારા બાંધેલા બંગલા અમ્મર ઝૂલે રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 229)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966