narmdashtak - Lokgeeto | RekhtaGujarati

નર્મદાષ્ટક

narmdashtak

નર્મદાષ્ટક

(ભુજંગી છંદ)

અહો નર્મદાનીર ગંભીર ગાજે; મહાપાપના તાપ સંતાપ ભાંજે.

પુનર્જન્મ સંસારના ક્લેશ ટાળે, જઈ જંન જે રુદ્ર દેહા નિહાળે. 1

ભૂમિ તીર્થમાંહે ભલું કો વખાણું? માતા નર્મદાનીર તે સત્ય જાણું.

ત્યહાં પ્રેમ શું લોલ કલ્લોલ કાજે, માતા નર્મદા-અંક પામી શું બીહીજે? 2

જેવું પુણ્ય ભાગીરથી સ્નાન કીધે, તેવું પુણ્ય રેવા નીર દષ્ટ દીઠે.

તેને દૂરથી દેખતા દુઃખ વાળે, પલકમાંહી પિનાકીમાં વાસ પામે. 3

અવલ માર્ગચારી, વિલાસી, વિકારી, મહા પાપ કરી, પર દ્રવ્યહારી.

ક્ષણું એક ર્હે નર્મદા દૃષ્ટ ન્ય્હાળી, દીયે દુઃખદારિદ્રનો અંશ ટાળી. 4

અભિમાન, અહંકાર, મત્સર છાંડો, મહાલોભની જાળ માયા વિદારો.

અમ પાપના અંશનો વંશ ટાળો, સ્મરું સર્વદા પુણ્ય બાધો! 5

નહિ કોટિ કલ્પાંત લ્હાવ ના’વે ભવસિંધુમાં બૂડતાં બચાવે;

જે કો નર્મદાતીર્થ સેવીને બેઠા, તેને માસ એકે ત્રિપુરારિ ત્રુઠ્યા. 6

વૈશાખમાં વ્યાસને પુત્ર આપ્યો, નિજ ભક્ત જામી શુકદેવ સ્થાપ્યો.

ભાગીરથી, ગૌતમી, સિંધુ, તાપી, રહ્યાં એકલાં નર્મદા વિશ્વ વ્યાપી. 7

સદા શંકરી સર્પ-આકારે વ્હેતાં, ઋષિ દેવના સંઘ અભિષેક કરતાં.

ભણે સાંભળે મનમાં ભાવ આણી, રૂડા શ્લોક આઠે તે રેવા વખાણી. 8

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966