sheri sheri ghugharDo - Lokgeeto | RekhtaGujarati

શેરી શેરી ઘૂઘરડો

sheri sheri ghugharDo

શેરી શેરી ઘૂઘરડો

શેરી શેરી ઘૂઘરડો વાગે છે,

કોઈ મોટાનો કુંવર આવે છે.

પેલા નવલા વેવઈને જાણ કરો,

જાણ કરો પિછાણ કરો.

હમારી જાન ઉતારો માંગે છે.

હમારી જાનમાં તો આવ્યા મુનશી,

વેવઈ, માંડવે નંખાવો ખુરશી.

મોટાનું દળ આવ્યું દળ આવ્યું રે,

સાંકડી શેરીમાં સાજન નહીં સમાયું,

નહીં સમાયું.

મોટાનું દળ આવ્યું દળ આવ્યું રે.

હમારી જાનમાં તો આવ્યા શેઠિયા,

વેવઈ, માંડવે નંખાવો તકિયા,

મોટાનું દળ આવ્યું દળ આવ્યું રે.

હમારી જાનમાં તો આવ્યા મહેમાનો,

વેવઈ, માંડવે નંખાવો જાજમો.

મોટાનું દળ આવ્યું દળ આવ્યું રે.

હમારી જાનમાં તો આવ્યા મોટા,

વેવઈ, જળ ભરી લાવો લોટા,

મોટાનું દળ આવ્યું દળ આવ્યું રે.

વેવઈને ધીર દેજો રે ધીર દેજો રે.

રાંધવા રસોયા લાવ્યા,

પાણીની પણિહારી લાવ્યા,

વેવઈને ધીર દેજો રે ધીર દેજો રે.

વેવાણ સાડી પહેરીને ચોળી વીસરી રે,

વેવાણ રાજા જમાઈ જોવા નીસરી રે.

વેવાણ એમ માનીશ વર ખોટો રે,

તો ફૂલ રે ગુલાબનો ગોટો રે.

વેવાણ એમ માનીશ વર કાણો રે,

તો સાચો મોતીનો દાણો રે.

વેવાણ એમ માનીશ વર ઠીંગણો રે,

તો મોગરા કેરો ઝૂમખો રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 301)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, દા. ગો. બોરસે, સુમન મૂળશંકર મહેતા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957