sha mate? - Lokgeeto | RekhtaGujarati

શા માટે?

sha mate?

શા માટે?

મારગ રોકે કાનુડા, તું શા માટે?

મહીની મટકી છે મારે માથે.

ચાલ્યો જા તું પાધરી વાટે, શું છે તારે મારૂં કામ?

નિર્લજ થઈને રાહમા રોકે, શાના માગે દાણ?

રોકે કાનુડા, તું શા માટે? મહીની મટકી છે મારે માથે.

નાની વયમાં નામ કાઢ્યું, લોક કરે વખાણ;

હાં હાં કરતો આંખડી મારે, શાના માગે દાણ?

રોકે કાનુડા, તું શા માટે? મહીની મટકી છે મારે માથે.

દાણ લેવાનો ખપ હોય તો, આવજે ગોકુળ ગામે;

મહી વેંચતી મહીઆરણમાં, પૂછજે રાધા નામે;

રોકે કાનુડા, તું શા માટે? મહીની મટકી છે મારે માથે.

મહી વેચંતા મારગમાં તું રોકે છે જરૂર,

છોડી દેને, વેળા વીતી, જાવું છે મારે દૂર;

રોકે કાનુડા, તું શા માટે? મહીની મટકી છે મારે માથે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 110)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968