gokul gam - Lokgeeto | RekhtaGujarati

ગોકુળ ગામ

gokul gam

ગોકુળ ગામ

સીતા અગ્નિ તાપીને બહાર નીસર્યાં રે લોલ.

મને મોળા મળ્યા ભગવાન રામ...ગોકુળ ગામ રળિયામણું રે લોલ.

અમે દાતણ લઈને ઊભાં રહ્યાં રે લોલ.

દાતણ કરશે રાધા ને રૂડા કાન રામ...ગોકુળ.

અમે મર્દન લઈને ઊભાં રહ્યાં રે લોલ.

મર્દન કરશે રાધા ને રૂડા કાન રામ...ગોકુળ.

અમે નાવણ લઈને ઊભાં રહ્યાં રે લોલ.

નાવણ કરશે રાધા ને કાન રામ...ગોકુળ.

અમે ભોજન લઈને ઊભાં રહ્યાં રે લોલ.

ભોજન કરશે રાધા ને કાન રામ...ગોકુળ.

અમે મુખવાસ લઈને ઊભાં રહ્યાં રે લોલ.

મુખવાસ કરશે રાધા ને કાન રામ...ગોકુળ

અમે રમત લઈને ઊભાં રહ્યાં રે લોલ,

રમત રમશે રાધા ને કાન રામ...ગોકુળ.

અમે પોઢણ લઈને ઊભાં રહ્યાં રે લોલ,

પોઢણ કરશે રૂડા કાન રામ...ગોકુળ.

રસપ્રદ તથ્યો

(શાહપુર દરવાજા બહાર કલ્યાણગ્રામની વણકર સમુદાયની બહેનોએ આ ગીત સંભળાવ્યું હતું.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શિવશંકર પ્રાણલાલ શુક્લ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959