dudhi dudhi talawDi re - Lokgeeto | RekhtaGujarati

દૂધી દૂધી તલાવડી રે

dudhi dudhi talawDi re

દૂધી દૂધી તલાવડી રે

દૂધી દૂધી તલાવડી રે,

માંહી ભરિયાં છે નીર, માંહી ભરિયાં છે નીર;

મેં તો ઓઢી છે ચુંદડી રે.

કિયા ભાઈ ચાલ્યા છે ચાકરી રે?

કિયા ભાઈ ચાલ્યા મેવાડ?

મેં તો ઓઢી છે ચુંદડી રે.

અંબુભાઈ ચાલ્યા છે ચાકરી રે,

નાનાભાઈ ચાલ્યા મેવાડ;

મેં તો ઓઢી છે ચુંદડી રે.

કિયા ભાઈ લાવે છે ઘૂઘરા રે?

કિયા ભાઈ લાવે ઝીણી સેર?

મેં તો ઓઢી છે ચુંદડી રે.

અંબુભાઈ લાવે છે ઘૂઘરા રે,

નાનાભાઈ લાવે ઝીણી સેર;

મેં તો ઓઢી છે ચુંદડી રે.

કયી વહુ પહેરે છે ઘૂઘરા રે?

કયા વહુ પહેરે ઝીણી સેર1?

મેં તો ઓઢી છે ચુંદડી રે.

ચંદી વહુ પહેરે છે ઘૂઘરા રે,

જસુ વહુ પહેરે ઝીણી સેર;

મેં તો ઓઢી છે ચુંદડી રે.

ચંદી વહુ તો હીંડે છે ઠેકડે રે,

જસુ વહુ હીંડે મોડા-મોડ;

મેં તો ઓઢી છે ચુંદડી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 137)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968