ghar pachhwaDe walo wansri wagaDe - Lokgeeto | RekhtaGujarati

ઘર પછવાડે વાલો વાંસરી વગાડે

ghar pachhwaDe walo wansri wagaDe

ઘર પછવાડે વાલો વાંસરી વગાડે

ઘર પછવાડે વાલો વાંસરી વગાડે, નેણે નીંદરા ના’વે જો;

ભાઈ રે ગોવાળિયા વીરા, વાર રે ગોવાળિયા, સંદેશો લઈ જાજો જો.

જઈને મંદિરીએ એટલું કે’જે, રાણી રાધાજી રીસાણાં જો;

ચડ્યે ઘોડે, ચડ્યે હાથીએ, શ્રીકૃષ્ણજી પધાર્યા જો.

શું કામ રીસાણાં મારાં સમરથ ગોરી? શા માટે રીસાણાં જો?

દેરાણીને ટીલડી, જેઠાણીને ટીલડી, અમને ટીલડી મળે જો.

સુરત શે’રનાં સોનાં મગાવો, માણેક શેરનાં મોતી જો;

અધમણ સોનું, સવામણ રૂપું, તેની મારી ટીલડી ઘડાવો જો.

ક્યો સોની ઘડશે, ક્યો સોની જડશે, ક્યો સોની મોતીડાં પરોવશે જો;

ક્યાં બેસી ઘડશે, ક્યાં બેસી જડશે, ક્યાં બેસી મોતીડાં પરોવશે જો?

રામજી ઘડશે, લખમણ જડશે, પરસોતમ મોતીડાં પરાવશે જો;

ગોકુલમાં ઘડશે, મથુરામાં જડશે, પ્રાગમાં મોતી પરોવશે જો.

ટીલડી ચોડીને રાધા મંદિરીએ ગ્યાં’તાં, સાસુને પાયે પડીઆ જો;

ઠાર્યા હોય એવાં ઠરો વવારૂ, બાર્યા હોય એવાં બરજો જો.

ટીલડી ચોડીને રાધા જલ ભરવા ગ્યાં’ત્યાં, જલમાં ટીલડી ડૂબી જો;

ટીલડી જડે તો મારી નણદીને આપું, ભવનાં મે’ણાં ભાંગું જો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 220)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966