gautrat - Lokgeeto | RekhtaGujarati

ગૌત્રાટ

gautrat

ગૌત્રાટ

નગર સોહાગણો કરે રે ગૌત્રાટ;

કો’ મારા ગોરજી, કરું ગૌત્રાટ?

હું ના જાણું, બ્રહ્માનો બેટો;

તમારા સસરાને પૂછી કરો રે ગૌત્રાટ.

મંદિરેથી આવંતા દાદાજી;

કો’ મારા સસરાજી, કરું રે ગૌત્રાટ?

હું ના જાણું, મારા ઘરની વહુઆરુ;

તમારાં સાસુને પૂછી કરો રે ગૌત્રાટ.

રસોઈઓ રાંધતાં માતાજી;

કો’ મારાં સાસુજી, કરું રે ગૌત્રાટ?

હું ના જાણું, મારા ઘરની વહુઆરુ;

તમારા જેઠને પૂછી કરો રે ગૌત્રાટ.

હાટેથી આવંતા મોટેરા ભાઈ;

કો’ મારા જેઠજી, કરું રે ગૌત્રાટ?

હું ના જાણું, મારા ઘરની વહુઆરુ;

તમારાં જેઠાણીને પૂછી કરો રે ગૌત્રાટ.

બેટડો ધવરાવંતા, મારાં ભાભીજી;

કો’ મારાં જેઠાણી, કરું રે ગૌત્રાટ?

હું ના જાણું, મારા ઘરની વહુઆરુ;

આપણા દીઅરને પૂછી કરો રે ગૌત્રાટ.

ઘેડીલા ખેલાવતા ના’નાભાઈ?

કા’ મારા દીઅરજી, કરું રે ગૌત્રાટ?

હું ના જાણું, મારાં મોટેરાં ભોજાઈ;

તમારાં દેરાણીને પૂછી કરો રે ગૌત્રાટ.

પાણીડાં ભરંતાં વહુઆરુ;

કો’ તો દેરાણી, કરું તે ગોત્રાટ?

હું શું જાણું, હું તો નાનેરી વહુઆરુ;

આપણા નણદીને પૂછી કરો રે ગૌત્રાટ.

સાસરીએથી આવતાં મોટેરાં બેનડી;

કો’ મારાં નણદીજી, કરું રે ગૌત્રાટ?

હું ના જાણું, મારાં વા’લેરા ભોજાઈ;

તમારા નણદોઈને પૂછી કરો રે ગૌત્રાટ.

ખાસડાં ખાનારા રે જમાઈરાજ;

કો’ મારા નણદોઈજી, કરું રે ગૌત્રાટ?

હું શું જાણું, હું પરઘર કેરો બેટો;

મારા સાળાને પૂછી કરો રે ગૌત્રાટ.

ઢોલીએ પોઢંતા મોરા સ્વામી;

કો’ મારા ભરથાર, કરું રે ગૌત્રાટ?

લાખ ખરચું, ને બે લાખ ખરચું;

અપવાસ થાય તો ગોરી, કરો રે ગૌત્રાટ.

રસપ્રદ તથ્યો

ગૌ + ત્રિરાત્ર. એ બે શબ્દો મળીને થયેલો ગૌત્રિરાતનું અપભ્રંશ ગૌત્રાટ છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 297)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968