sabrine gher ram padharya - Lokgeeto | RekhtaGujarati

સબરીને ઘેર રામ પધાર્યા

sabrine gher ram padharya

સબરીને ઘેર રામ પધાર્યા

સબરીને ઘેર રામ પધાર્યા, શી શી કરૂં મેમાની?

ચૌદ ભુવનનો નાથ પધાર્યા, ઝૂંપડી મારી નાની;

સબરીને ઘેર રામ પધાર્યા...

એક ખૂણે ધૂળનો ઢગલો, બીજે ખૂણે વાની,

ચૌદ ભુવનનો નાથ પધાર્યા, ઝૂંપડી મારી નાની;

સબરીને ઘેર રામ પધાર્યા...

નાહી ધોઈ બાજોઠ બેસાર્યા, તીલક કીધાં તાણી,

ચરણ ધોઈ ચરણામૃત લીધાં, ચરણમાં લપટાણી;

સબરીને ઘેર રામ પધાર્યા...

જગના જીવન જમવા બેઠા, મનમાં હું મુંઝાણી,

ત્યાં તો ઓલ્યાં બોર સાંભર્યાં, ટોપલો લીધો તાણી;

સબરીને ઘેર રામ પધાર્યા...

ભાવ મીઠા, ભાવતાં ભોજન, ભાવની પાનદાની;

ચૌદ ભુવનનો નાથ પધાર્યા, ઝૂંપડી મારી નાની!

સબરીને ઘેર રામ પધાર્યા, શી શી કરૂં મેમાની?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 177)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966