aaj saluna ekadashi - Lokgeeto | RekhtaGujarati

આજ સલુણા એકાદશી

aaj saluna ekadashi

આજ સલુણા એકાદશી

આજ સલુણા એકાદશી, ને મારે છે ઉપવાસ;

અગ્યારશ કરવી છે.

બાઈ રે પાડોશણ બેનડી, મને દેવતા હોય તો આલ્ય;

અગ્યારશ કરવી છે.

સવા મણનો શીરો કીધો, અરધા મણનો ભાત;

અગ્યારશ કરવી છે.

જમી જુઠીને પલંગ પોઢ્યાં, મુખડે પાન પચાસ;

અગ્યારશ કરવી છે.

સાંજ પડી ને ઘેર પીયુજી આવ્યા, જમવાની શું વાર?

અગ્યારશ કરવી છે.

જમવું હોય તો જમી લેજો, ને મારે છે ઉપવાસ;

અગ્યારશ કરવી છે.

અધરાતે પેટડીયાં દુખ્યાં, પીડાનો નહીં પાર;

અગ્યારશ કરવી છે.

પિયુએ આવી પૂછ્યું, ગોરી, શું તમને મંદવાડ?

અગ્યારશ કરવી છે.

વડોદરાથી વૈદ તેડાવું, જોવે તમારી નાડ્ય;

અગ્યારશ કરવી છે.

વૈદે આવી પૂછ્યું, બેની, શું ખાધું ’તું આજ?

અગ્યારશ કરવી છે.

મારે હતી આજ એકાદશી, ને મેં કીધો અપવાસ;

અગ્યારશ કરવી છે.

જુઠાં બેની જુઠું બોલો, ખાધાનો મંદવાડ;

અગ્યારશ કરવી છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 175)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966