gay gotwa - Lokgeeto | RekhtaGujarati

ગાય ગોતવા

gay gotwa

ગાય ગોતવા

જો કે નંદ એક સમે ગાય ગોતવા ગ્યા’તા રે,

જો કે તીયાં સમો જાણીને શ્યામ સંઘે થીયો રે,

જો કે ત્યાં કુંવરી ઊભી છે ભૂખુ ભાણની રે.

જો કે તેને સાદ કરીને બોલાવીયાં રે,

જો કે મારા લાલને તી સોંપજો એની માતને રે,

જો કે લાવો લાવો પોં’ચાડું પૂરી પ્રીતથી રે.

જો કે સાંજ પડી ને દિવસ આથમ્યો રે,

જો કે દિવસ આથમ્યો ને સાંજ છે પડી રે,

જો કે મેહુલા વરસે ને નેવલાં નીંજરે રે.

જો કે કુંવરી, અટાણા સુધી ક્યાં ગઈ’તી રે?

જો કે કુંવરી, હૈયું તે રાખીયે હાથમાં રે,

જો કે કુંવરી, ટેક તે રાખીયે તનમાં રે.

જો કે પુરૂષનો સંગ નવ કરીયેં રે,

જો કે પ્રભુ કાલ પધારજો વનમાં રે,

જો કે ત્યાં આલા લીલા વાંસ વઢાવશું રે.

જો કે ત્યાં ત્રાંબારૂં ચોરી બંધાવશું રે,

જો કે કૃષ્ણ ને ગોપી પધરાવશું રે,

જો કે ત્યાં બ્રહ્માજી બેઠા વેદ ભણે રે.

જો કે ત્યાં પરણે રાધા ને કૃષ્ણજી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968