phariyad - Lokgeeto | RekhtaGujarati

ફરિયાદ

phariyad

ફરિયાદ

એક સમે જશોદાજીને મંદિર, ગોપી સૌ મળી આવ્યાં જી,

રીસ ચડાવી, નેણાં નચાવી, રાવ હરિની લાવ્યાં; હરિને વારો જી.

શાં રે પરાક્રમ કઉં કુંવર કેરાં, દુઃખમાં કેમ ઘર રઈએ જી,

છે નાનેરો હરિ નાનડિયો, પણ વ્રજમાં ઘરઘર પરવરિયો; હરિને વારો જી.

જાણ્યું જે જળ ભરવા ગઈ છે, ઘરની ધણિયાણી જી,

તે ઘરમાં જઈ ભાંગે ફોડે, એની કોણ પૂરે એંધાણી; હરિને વારો જી.

સુના રે ઘરમાં જઈને પેહે, દિ’ પડતાં કરે ચોરી જી,

ચોર ચોર ચૌટા ચકલામાં, શોર પાડે મોટી શેરી; હરિને વારો જી.

શાં પરાક્રમ કઉં શામળિયાનાં, રઈ જાઉં જીભને ખાંચી જી,

લખ્યા હોય જો લાખ કરોડો, દેખાડું કાગળ વાંચી; હરિને વારો જી.

સાથીઆ તો સઉ સુંદરી પૂરો, ને માંઈ ગુલાબની રેખું જી,

પગલાં પાડીને હરિ ભુંસી નાખે, કર્યું કારવ્યું સરખું; હરિને વારો જી.

જાણ્યું કે ગાયું દોઈ કરીને, દૂધના પૈસા આવે જી,

પાછલી રાતનો ઊઠી કરી, હરિ વાછરડા ધવરાવે; હરિને વારો જી.

મહીનાં માટલાં ભોંય ઉતારીને આભે ધાન બીછાવ્યાં જી,

ખાટલે પાટલે ચડી કરીને, હરિ મહી માખણ ઘી ખાય; હરિને વારો જી.

સુનાં મંદિરમાં રે જઈને પેસે, કોઈ દી હલકો પડશે જી,

કોઈ દી તો મા-બાપની સાથે, હોહો કરતાં ચોરે ચડશે; હરિને વારો જી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968