hasine bolone - Lokgeeto | RekhtaGujarati

હસીને બોલોને

hasine bolone

હસીને બોલોને

પાય લાગીને કઉં છું રે કાન, હસીને બોલોને;

રાધા મૂકી મનાવે માન; હસીને બોલોને.

તમે કેમ રીસાયા મા’રાજ રે,

પરસ્ત્રી સાથે વઢ્યા છો આજ રે? હસીને બોલોને.

તમે પ્રીત અમારી સાથે તોડી રે,

નટવર, બીજી સંગાથે જોડી રે; હસીને બોલોને.

હરિ, હેત હવે ઓછું કીધું રે,

બીજી નારને સુખ તમે દીધું રે; હસીને બોલોને.

મારા સરખી તો હશે હજાર રે,

રાધાને પ્રાણ તણા છો આધાર રે; હસીને બોલોને.

હરિ સમજ્યા તે મન મોઝાર રે,

અમે પરણ્યા નથી બીજી વાર રે; હસીને બોલોને.

હું તો કઉં છું સાચી વાત રે,

રાધા, તું છે હૈયા કેરો હાર રે; હસીને બોલોને.

સાચી વાત માનો તમે રાધા નારી રે,

હું તો આવ્યો છું ગોધન ચારી રે, હસીને બોલોને.

મને થાક ચઢ્યો છે નારી રે,

તેથી મુખ મારું ઊતરિયું રે; હસીને બોલોને.

દેખી વાંકું તમને પડિયું રે,

હવે વે’મ હૈયામાંથી કાઢો રે, હસીને બોલોને.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968