daDhi - Lokgeeto | RekhtaGujarati

દાઢી

daDhi

દાઢી

કાનુડા, ખેધે પડ્યો છે શીદ મારી રે?

નિર્લજ ટેવ દીસે છે અલ્યા તારી રે.

તું તો નિત ઊઠી મારે ઘેર આવે રે,

સુતાં બાળક મારાં ને રોવાડાવે રે.

અલ્યા, લાડકો કીધો તે તારી માયે રે,

વ્રજમાં રમતો મૂક્યો તે તારા બાપે રે.

ગોપી જમનાજી ના’વાને જાયે રે,

સુનાં મંદિર દેખી વા’લો આવે રે.

ગોરસ ફોડે, ને મહી ચોરી ખાયે રે,

ઝાલવા જાય ત્યારે વા’લો નાસી જાયે રે.

આજ પેર કરૂં છું અલ્યા, તારી રે,

કર બે બાંધુ તો ખરી જાણ નારી રે.

આઘો જાય, ને કરે છે ચેનચાળા રે,

ધીરો રે’ની અલ્યા નંદજીના લાલા રે.

પ્રભુનો ગુણ કહ્યો નવ જાયે રે,

જેના શેષ સરખા ગુણ ગાયે રે.

વા’લે મનમાં શું વિચારી વાતડી રે,

ગોપીને ઘેર ગયો તે માઝમ રાતડી રે.

ગોપી પરણ્યા ધણીની સંગ સુતી રે,

પાછલી રાતે ઘણી નીંદરા લેતી રે.

નારીની વેંણ ને નરની દાઢી રે.

હરિએ ગાંઠ પાડી છે ધણી ઘાટી રે.

ગોવાળિયે ગોપીની પેર કીધી રે,

વ્રજના નાથે તે શિક્ષા કીધી રે.

ઠગાઈ કરે, ને ઘેર ઘેર નાચે રે,

કાખલી ફુટે ને મનમાં મગન થાયે રે.

પાછલે પરોઢીયે રાત ભાંગી રે,

ગોપી મૈ’ડાં વલોવાને જાગી રે.

ગોપી જાગી ને ઝટ બેઠી થાય રે,

ત્યારે દાઢી ને વેણી તણાય રે.

મુકો મુકો કરે છે ગોપ તણી નારી રે,

શીદ વેંણી તાણો છો મારી રે?

રમતાં તો રજની વઈ ગઈ રે,

મૈ વલોવાની વેળા થઈ ગઈ રે.

હજી મન તમારું શે નાણો રે,

મારો ચોટલો તમે શીદ તાણો રે?

તું મંદ હસે મદમાતી રે,

શીદ દાઢી તાણે છે મારી રે?

ગોપી, અવળાં વાયક શીદ ભાખે રે,

તો કોઈ પુરુષ નઈં સાંખે રે.

ગોપી હાથે તપાસીને જોવે રે,

તો ગાંઠ પાડી છે કોકે રે,

વળી ગાંઠ છોડી નવ છૂટે રે.

તાણા તાણે વાળ બધા તૂટે રે.

પાળીએ કાપે તોય કપાએ રે.

તેમ નારી ને નર અકળાયે રે.

ગોપી મન વિચારીને જોવે રે.

કા’ના વન્યા કોઈ કરે નઈં આવું રે.

કહો કંથજી, હવે કેમ કરશું રે.

ઘણું લોક લજ્જા થકી બીવું રે.

વાણું વાયું ને લોકો ઊઠ્યાં રે.

જોવા મળ્યાં તે થોક થોકે રે.

ઓલ્યા કાનુડાએ કેર કીધો રે.

વ્રજનો કેડો ઘણો એણે લીધો રે.

હવે ગોકુળ મૂકીને ક્યાં જઈએ રે?

આવા દુઃખ તે ક્યાં લગી સઈ રે?

ચાલો નંદ જશોદાને કઈએ રે,

વ્રજ મૂકીને ક્યાં જઈ રહીએ રે?

નર નારી સૌ રસ્તે ચાલ્યાં રે,

ગોપી લાજી, ને ઘૂમટો વાળ્યો રે.

આગળ ગોપી ને પૂંઠે ગોવાળી રે.

સાથે લોક તે તાળિયો ફૂટે રે.

ફજેતીનો આવે કાંઈ પાર રે,

આવ્યા નંદ જસોદાને દુવારે રે.

નંદ જસોદાજી, કુંવરને વારો રે,

લાજ વન્યાનો કાન તમારો રે.

જસોદાએ લાલને સાદ કીધો રે,

ત્યારે સેજમાંથી હુંકારો દીધો રે.

આંખ ચોળીને બાર નિસરિયા રે,

વ્રજના વાસી સૌ ઝાંખા પડિયા રે.

જસોદાજી કે’ જુઓ તમે બાઈ રે,

વિચારીને આવીએ આંઈ ધાઈ રે.

જેવા આવ્યાં તેવાં રસ્તે જાઓ રે,

બધા ગોકુળમાં બેય ગવાયાં રે.

નંદ જસોદાએ વચન કીધું રે,

ના છૂટે, તે અમે દીઠું રે.

મા, મનમાં તે દુઃખ શાનું આવડું રે?

રજા આલો તો ઝટ દઈને છોડું રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968