ek war marwaD jajo - Lokgeeto | RekhtaGujarati

એક વાર મારવાડ જાજો

ek war marwaD jajo

એક વાર મારવાડ જાજો

તમે એક વાર મારવાડ જાજો રે મારવાડા!

તમે મારવાડથી મેવા લાવજો રે મારવાડા!

મેવા લાવો, મીઠાઈ લાવો, ઓલું લાવો, પેલું લાવો,

પાન સોપારી, પાનનાં બીડાં, એલચી દાણા, રાઈના દાણા,

જો કે પેલો સાસર વાસો રે મારવાડા!

તમે એક વાર મુંબઈ જાજો રે મારવાડા!

તમે મુંબઈથી સેલાં લાવજો રે મારવાડા!

સેલાં લાવો, સાડી લાવો, ઓલું લાવો, પેલું લાવો,

પાન, સોપારી, પાનનાં બીડાં, એલચી દાણા, રાઈના દાણા;

જો કે પેલો સાસર વાસો રે મારવાડા!

તમે એક વાર સુરત જાજો રે મારવાડા!

તમે સુરતથી બંગડી લાવજો રે મારવાડા!

બંગડી લાવો, બેડી લાવો, ઓલું લાવો, પેલું લાવો,

પાન સોપારી, પાનના બીડાં, એલચી દાણા, રાઈના દાણા;

જો કે પેલો સાસર વાસો રે મારવાડા!

તમે એક વાર પાટણ જાજો રે મારવાડા!

તમે પાટણજી પટોળાં લાવજો રે મારવાડા!

પટોળાં લાવો, ઓઢણી લાવો, ઓલું લાવો, પેલું લાવો,

પાન સોપારી, પાનના બીડાં, એલચી દાણા, રાઈના દાણા;

જો કે પેલો સાસર વાસો રે મારવાડા!

તમે એક વાર ઝાલાવાડ જાજો રે મારવાડા.

તમે ઝાલાવાડનાં ઝુમણાં લાવજો રે મારવાડા;

ઝુમણાં લાવો, ઝાંઝર લાવો, ઓલું લાવો, પેલું લાવો,

પાન સોપારી, પાનના બીડાં, એલચી દાણા, રાઈના દાણા,

જો કે પેલો સાસર વાસો રે મારવાડા!

તમે એક વાર અમદાવાદ જાજો રે મારવાડા!

તમે અમદાવાદથી ચુંદડી લાવજો રે મારવાડા!

ચુંદડી લાવો, ચોળી લાવો, ઓલું લાવો, પેલું લાવો,

પાન સોપારી, પાનનાં બીડાં, એલચી દાણા, રાઈના દાણા;

જો કે પેલો સાસર વાસો રે મારવાડા!

તમે એક વાર મારવાડ જાજો રે મારવાડા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968