ek same jal aagal - Lokgeeto | RekhtaGujarati

એક સમે જળ આગળ

ek same jal aagal

એક સમે જળ આગળ

એક સમે જળ આગળ આવી

રમોને શ્રી ગોવિંદ.

કુંભ ભરી અવલોકી જોયું

જળમાં ઊગ્યો ચન્દ્ર :

‘આ શાં રૂંડા રમકડાં?

મારી માતા મુજને આપો.

એક સારા તારા ચૂંટીને

મારા ગુંઝલીઆમાં ઘાલો.’

‘જે રે જોઈએ તે કાંના માગો રમકડાં

મુજને શીદ સંતાપો?

હસી હરિ વેગે મો’લ પધારો

મોહના! કરો આડો.’

આડો લીધો ને બધું ગોકુળ ધમધીયું.

કેણે રહ્યું નવ જાય.

શશી પાતાળનાં વૈદ દુર્લ્લભ

તે શ્રીફળ મને આપો.

ટાઈ ટાચકા શંખ ફેરકણા

ઊભા ઊભા મંગાવું,

રેશમ દોરી પટવો તેડી

ફુમક સોટી ગૂંથાવું.

પ્રીતે ચડી ચકરડી,

શીખો રૂડી પેર.

માદળ મૃદંગ ને શંખ મોરલી

તમે વગાડો દેવ !

હસ્તી ઘોડા વેલ સુખાસન

કનક તણાં લ્યો કા’ના !

મૃગ ઢોલિઆ શીંગ સોનાનાં

તમે રમો ભગવાન !

બહુ મૂલી રાઠોડી મોજડી

ચરણે ચતુરભુજ ! પે’રો.

તેય તેવડા ગોવાળીડા સાથે

ગેડી દડે રમવા જાઓ !

એમ કહ્યું ત્યારે શ્રી હરિ હસીઆ

હાથ ઘડામાં ઘાલ્યો.

મહી મંડળમાં થયું અંધારૂં

હસી ચંદ્રમા ચાલ્યો !

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 164)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, મનોરમાબહેન ભટ્ટ
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963