e kachchh anjar motun gam ji re! - Lokgeeto | RekhtaGujarati

એ કચ્છ અંજાર મોટું ગામ જી રે!

e kachchh anjar motun gam ji re!

એ કચ્છ અંજાર મોટું ગામ જી રે!

કચ્છ અંજાર મોટું ગામ જી રે!

ત્યં વસે જેસલપીર રાજ!

અમને આપો તમારા ઘોડલા રે લોલ.

જેસલપીરને ઉતારા ઓરડા રે!

તોરાંદેને ઉતારા મેડીના મોલ રે!

અમને આપો તમારા ઘોડલા રે લોલ.

જેસલપીરને નાવણ કુડીયું રે!

તોરાંદેને નાવણ નદીયુંનાં નીર રે!

અમને આપો તમારા ઘોડલા રે લોલ.

જેસલપીરને ભોજન લાપસી રે!

તોરાંદેને ભોજન કંસાર રે!

અમને આપો તમારા ઘોડલા રે લોલ.

જેસલપીરને મુખવાસ એલચી રે!

તોરાંદેને મુખવાસ લવીંગ રે!

અમને આપો તમારા ઘોડલા રે લોલ.

જેસલપીરને રમત સોગટાં રે!

તોરાંદેને રમત પાનાની જોડ રે!

અમને આપો તમારા ઘોડલા રે લોલ.

જેસલપીરને પોઢણીયા ઢોલીયા રે!

તોરાંદેને હીંડોળા ખાટ રે!

અમને આપો તમારા ઘોડલા રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964