sita swyanwar - Lokgeeto | RekhtaGujarati

સીતા-સ્વયંવર

sita swyanwar

સીતા-સ્વયંવર

જનકરે મંડપ રચાવિયો,

મળિયા મૈપતી ભારી રે.

સીતા તે ચંપો મોરિયો,

ચૂંદડી ઓઢી છે સારી રે.

કેશરભરી કંકાવટી,

ચોખા ચોડ્યા લેલાડ રે.

આવીને મંડપમાં ઊભાં રહ્યાં,

રાજા જનરકની કુંવારી રે.

રૂપ દેખીને રાવણ બોલીઓ,

કન્યા છે એક ભારી રે.

કર જોડીને સીતા કરગરે,

પિતા સુણો મારી વાત રે.

જે દિ તે રામલખમણ આવશે,

પત રહેશે તમારી રે.

સીતાજીના પિતા એવુ બોલીઆ,

બોલ્યા જનરક રાય રે.

ધનુષ્ય ચડાવે જે કોઈ રાજીઓ,

આપું હું કન્યાનું દાન રે.

હાક મારી રાવણ બોલીયો,

બવળાં ભુજ અમારા રે.

ધનુષ્ય હેઠે હાથ ચંપાઈ ગયા,

લાજ્યો લંકાપતિ રાય રે.

અજોધ્યાથી હરિ આવિયા,

ઊભા રહ્યા મંડપ મોઝાર રે.

તાંબાપિત્તળનું ધનુષ્ય ધર્યું,

શીંગા ચડાવ્યાં તાણી રે.

અધ્ધર ચડાવી ભોંયે નાખિયું,

પતાળ પડછંદા વાગ્યા રે.

ફડકે પરશુરામ આવિયા,

સળક્યો શેષ પતાળ રે.

પતાળ પડછંદ બોલિયા,

નવકુળ નાગણિયું જાગી રે.

ઊઠોને નાગ નિદ્રાવળા,

ધરતી ધ્રૂજવા લાગી રે.

ઘેલું શું બોલો નાગણિયું,

ધરતી અહીંયાં ધ્રૂજે રે.

મેરુ તે પર્વત મોટો થાંભલો,

ડગમગ ડોલવા લાગ્યો રે.

મેરુ તે પર્વત મોટો ડુંગરો,

ન્યાં કાંઈ જગન રચાયો રે.

કોઈ કે’ જૂનોગઢ ઉમટ્યો,

કોઈ કે’ હલક્યું હાલાર રે.

નથી રે જૂનોગઢ ઉમટ્યો,

નથી હલક્યું હાલાર રે.

રાજા તે દશરથના દીકરા,

પરણે જનરક કુંવરી રે.

ધરતીનો કીધો માંડવો,

વીજની કરી વરમાળ રે.

ચારે તે જુગની ચોરી રચી,

પરણ્યા સીતા ને શ્રીરામ રે.

કંઠસ્થઃ અનબાઈ ગગજી હડિયલ (ગામ: મંગેળા)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 160)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ