duha - Lokgeeto | RekhtaGujarati

દુહા

duha

દુહા

દુહો દસમો વેદ, સમજે એને સાલે;

વિંયાતલની વેણ્ય, વાંઝણિયું શું જાણે?

સોરઠિયો દુહો ભલો, ભલી મરણવરી બાત;

જોબન-છાઈ ધણ્ય ભલી, તારા-છાઈ રાત.

ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો;

મરતાં રા’ખેંગાર, ખડેડી ખાંગો નવ થિયેા.

પડ મારા આધાર, ચોસલાં કોણ ચડાવશે?

ગયા ચડાવણહાર, જીવતાં જાતર આવશે.

નારી—મંડણ નાવલો, ધરતી-મંડણમેહ;

પુરુષાં–મંડણ ધણ્ય સહી, એમાં નહિ સંદેહ,

પાંચ કોસે પાળો વસે, દસ કોસે અસવાર;

કાં તો નાર કુભારજા, કાં નાહોલિયો ગમાર.

સામેરી સજણ વળાળિયાં, તાતી વેળુમાંય;

હું સરજી વાદળી, પિયુને પલપલ ઢાળત છાંય.

કામની કાગ ઉડાવતી, પિયુ આયો ઝબક્કાં;

આધી ચૂડી કાગ-ગળ, આધી ગઈ તડક્કાં.

થંભા થડકે મેડી હસે, ખેલણ લાગી ખાટ;

સો સજણા ભલે આવિયા, જેની જોતાં વાટ.

પહેલો પહેારો રેનરો, દીવડા ઝાકમઝોળ;

પિયુ કાંટાળો કેવડો, ધણ્ય કંકુની લેાળ,

દૂજો પહોરો રેનરો, વધિયા નેહ–સનેહ;

ધણ્ય ત્યાં ધરતી હો રહી, પિયુ અષાઢો મેહ.

ચંગા માડુ ઘર રહે, તિન અવગુણ હોય;

કાપડ ફાટે, ઋણ વધે, નામ જાણે કોય.

જિણ મારગ કેસરી ગયા, રજ લાગી તરણાં;

તે ખડ ઊભાં સૂકશે, નહિ ચાખે હરણાં.

જોઈ વો’રિયેં જાત, મરતાં લગ મેલે નહિ;

પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ.

કાપડ ફાટ્યું હોય, તાણો લઈને તૂણીએ;

કાજળ ફાટ્યું હોય, સાંધો મળે સૂરના.

ભાણું ભાંગ્યું હોય, રેણ દઈને રાખીએ;

કરમ ફૂટ્યું હો, સાંધો મળે સૂરનાં.

મોતી ભાંગ્યું વીંધતા, મન ભાંગ્યું કવેણ;

તેજી ભાંગ્યો તોળતાં; નહિ સાંધો, નહિ રેણ.

સાઠી ચાવલ, ભેંસ-દૂધ, ઘર શીલવંતી નાર;

ચોથી પીઠ તુરંગરી, સરગ-નિશાણી ચાર.

કોયલડી ને કાગ, વાને વરતાયે નહિ;

જીભલડીમાં જવાબ, સાચું સોરઠિયો ભણે.

મે’માનુંને માન, દલ ભરી દીધાં નહિ;

મંદિર નહિ, મસાણ, સાચું સોરઠિયો ભણે.

આણંદ કહે કરમાણંદા, માણસે માણસે ફેર;

(એક) લાખું દેતાં નવ મળે, એક ટકાનાં તેર.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-1 (પૃષ્ઠ ક્રમાંક 276)
  • સંપાદક : હીરા રામનારાયણ પાઠક અને અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981