draupdiwastrahran - Lokgeeto | RekhtaGujarati

દ્રૌપદીવસ્ત્રહરણ

draupdiwastrahran

દ્રૌપદીવસ્ત્રહરણ

અર્જુનના અભિમાન માટે ચઢી ચતુર્ભુજને રીસ :

પાંડવે નવ જાણિયું, જે દૂભાયા જગદીશ.

કૌરવ સાથે દ્યૂત રમતાં, હાર્યા રાજા ધર્મ :

રાજ-સંપત્તિ ભાંડુ ને વળી, હાર્યા દ્રૌપદી પરમ.

નિજ જાતને પણ હારીને, સર્વસ્વ ખોયું દ્યૂતમાં :

દુષ્ટ દુર્યોધન ખુશી થયો, અધર્મની જીતમાં.

પાય લાગ્યો પિતા કે રે, ગુરુને નામ્યું શીશ :

“પ્રભુ! બોલ આપણો ઉપર થયો, જીતાડ્યા જગદીશ.

હાર્યા ફક્ત પોતા તણા, મન આણિયું અભિમાન :

પાંડવ સાથે હીંડતા, સમરથ સારંગપાણ!

હવે આણ વર્તાવો માહરી, જે પાંડવ હવાં વન જાય;

હાર્યા, તે શું મુખ લઈને બેઠા સભા માહારી માંય?

[ભીષ્મ દ્રોણ ને કૃપાચાર્ય, અશ્વત્થામા ગુરુ મુન્ય :

વિદુર અળગા થઈ રહ્યા, “આ શું કીધું? જગજીવન!”]

પાંડવને કહે, “શેં નથી બોલતા? અસ્ત્રી રાખવી છે ઘેર?:”

વળતું તે ધર્મરાય બોલિયા “જા ભાઈ તેડી લાવ્ય :

કહેજો જે તારા કંથ હાર્યા, સ્વામી ભક્ત ચૂક્યા ભાવ!”

રસપ્રદ તથ્યો

[‘દ્રૌપદીવસ્ત્રહરણ’નો પ્રસંગ મૂળ સંસ્કૃત મહાભારતમાં વર્ણવેલો છે. ત્યાં દ્રૌપદીનાં વસ્ત્ર ખેંચ્યાં-ઊતાર્યાં-એમ કોઈ ઉલ્લેખ નથી. માત્ર એકવસ્ત્રાને દુઃશાસને ખેંચી—‘घर्षिता’—એમ વર્ણન છે: પરંતુ આગળ જતાં, આ પ્રસંગમાં, કૃષ્ણભક્તિનો વિકાસ થતાં, કૃષ્ણે એકને બદલે નવસેં નવ્વાણું ચીર પૂર્યાં અને દ્રૌપદીની લાજ રાખી એવું ચમત્કારયુક્ત વર્ણન પછીના સમયમાં પલ્લવિત થયેલું છે. આ માન્યતા, હિંદભના મધ્યકાલીન ભાષાસાહિત્યમાં સ્વીકાર પામી છે તે પ્રસંગનું કોઈ અજ્ઞાત લેખકનું ગુજરાતી કથાકાવ્ય અહીં આપ્યું છે. —સંપાદક.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 115)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, હરિકાન્ત ન્હાનાલાલ દીક્ષિત.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964