Dholaki - Lokgeeto | RekhtaGujarati

ઢોલકી

Dholaki

ઢોલકી

સેલ દરવાજે ઢોલચી વાજી, વાજ્યો ગજરારુ ઢોલ,

મનડું મારું માનતું નથી. નાચણિયું નાચતું નથી.

પૈણ્યો મારો છેલ છબીલો, લાયો ફુલડાંનો હાર,

મનડું મારું માનતું નથી, નાચણિયું નાચતું નથી.

તારી સોબતમાં સખ ના ભાળ્યું, માયાળુ માનતો નથી,

મનડું મારું માનતું નથી, નાચણિયું નાચતું નથી.

સેલ, દરવાજે ઢોલચી વાજી, વાજ્યો ગજરારુ ઢોલ,

મનડું મારું માનતું નથી, નાચણિયું નાચતું નથી.

સેલ જાણીને મેં તો છેડલો ઝાલ્યો, નેંકળ્યો સગો જેઠ.

શરમ મને લાગતી નથી, મનડું મારું માનતું નથી;

નાચણિયું નાચતું નથી.

પેરી ઓઢીને સાસરે ચાલી, માથે અંધારી રાત,

ચંદરમા ઊગતો નથી, મનડું મારું માનતું નથી,

નાચણિયું નાચતું નથી.

સેલ દરવાજે ઢોલચી વાજી, વાજ્યો ગજરારુ ઢોલ,

નાચણિયું નાચતું નથી.

પૈણેતરની રાતડિયું પે’લી, વેંછૂડે માર્યો ડંખ,

ધણી મારો જાગતો નથી, મનડું મારું માનતું નથી

નાચણિયું નાચતું નથી.

સેલ, દરવાજે ઢોલચી વાજી, વાજ્યો ગજરારુ ઢોલ,

મનડુ મારું માનતું નથી, નાચણિયું નાચતું નથી.

દીવડો લઈ ઓંચી મેડીએ ચડી, સાસુડી બોલે ગાળ,

નણંદ મારી ઓંઘતી નથી, મનડુ મારું માનતું નથી;

નાચણિયું નાચતું નથી.

મારી મારીને મારું મનડું માર્યું, તોય ના આયો પાર,

મનડું મારું માનતું નથી, નાચણિયું નાચતું નથી.

સેલ દરવાજે ઢોલચી વાજી, વાજ્યો ગજરારુ ઢોલ,

મનડું મારું માનતું નથી, નાચણિયું નાચતું નથી.

ઘરનો ધણી હીજડો મારો, દેવર કળાયેલ મોર,

મનડું મારું માનતું નથી, નાચણિયું નાચતું નથી.

પૈણ્યો મારો વાડીએ હાલ્યો, દેવર લડાવે લાડ,

મનડુ મારું માનતું નથી, નાચણિયું નાચતું નથી.

નાનો દેવરિયો એવો અટારો, મારે મોગારિયુંના માર,

દારૂડો મને ચડતો નથી, મનડું મારું માનતું નથી.

નાચણિયું નાચતું નથી..

સેલ દરવાજે ઢોલચી વાજી, ગજરારુ ઢોલ,

મનડુ મારું માન માનતું નથી, નાચણિયું નાચતું નથી.

રસપ્રદ તથ્યો

આ ગીત સાણંદ પાસે રેથલ ગામના કાનાભાઈએ ગાયેલું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 152)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968