Dhoklanno bhaar - Lokgeeto | RekhtaGujarati

ઢોકળાંનો ભાર

Dhoklanno bhaar

ઢોકળાંનો ભાર

સવા મણ ઘઉંનું દયણું રે કીધું,

એક તે દયણું કાઢ્યું, ’લ્યા મનવા, હેરી લ્યો વણઝારો.

સવા મણ ઘઉં લઈ દળવા બેઠી,

એક તે ગાળો કાઢ્યો ’લ્યો મનવા, હેરી લ્યો વણઝારા.

માટલાં માલ્યો ગોળ રે લીધો,

ઝોટુ કેરાં લીધાં ઝીય ’લ્યા મનવા, હેરી લ્યો વણઝારા.

વાળી ચોળીને ઢોકળું રે કીધું,

જઈ ચૂલમાં ઘાલ્યું ’લ્યા મનવા, હેરી લ્યો વણઝારા

ઝરમર ઝરમર મેવલો વરહે,

હાંતીડો ઘેર આવ્યો ’લ્યા મનવા, હેરી લ્યો વણઝારા.

રાશ-પરોણો નેવે રે મેલ્યાં,

ધોરી સૂટા મેલ્યા ’લ્યા મનવા, હેરી લ્યો વણઝારા.

પાણિયારેથી હોકો રે લીધો,

જઈ ચૂલા આગળ બેઠો ’લ્યા મનવા, હેરી લ્યો વણઝારા.

આપણાં ચૂલામાં વેંછણ વિયાણી,

પાડોશણ ઘેર જજે લ્યા મનવા, હેરી ’લ્યો વણઝારા.

પાડોશણનો ભાયડો શે ભોંડો,

ચારુડિયો ચંપાયો ‘લ્યા મનવા, હેરી લ્યો વણઝારા.

સાત ગોદડાં સાથે રે ઓઢ્યાં,

આયો તરુડિયો તાવ ’લ્યા મનવા, હેરી લ્યો વણઝારા.

વડોદરાના વેદડિયા તેડાવો,

આયીને નાડ્યું જોવે ’લ્યા મનવા, હેરી લ્યો વણજારા.

એને તાવ નથી, ને તરિયો રે નથી,

ઢોકળાનો રઈયો ભાર ’લ્યા મનવા, હેરી લ્યો વણઝારા.

વૈદડિયા રે તારી નાર રંડાશે

ઢોકળાનો ભાર ઉતાર્ય ’લ્યા મનવા, હેરી ’લ્યો વણઝારા.

વૈદડિયે તો નાડ્યું રે ઝાલી,

ઢોકળાને સતું કર્યું ’લ્યા મનવા, હરી લ્યો વણઝારા.

રસપ્રદ તથ્યો

આ ગીત સાણંદ તાલુકાના કુંવાર ગામના શ્રી. બબાભાઈ ડાકોર પાસેથી મળેલું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 170)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968