dhartiye marag didha - Lokgeeto | RekhtaGujarati

ધરતીએ મારગ દીધા

dhartiye marag didha

ધરતીએ મારગ દીધા

કારા ઘોડા, કારા માફા, કારાં પૂર્યાં ચીર જો,

ડાભની પથારી કીધી, બેઠાં સીતા માત જો.

ત્યાંથી રથ હંકારીયો, આવ્યો છે વન મોજાર જો,

લભમણ લખમણ દેરીડા, હું પૂછું એક વાત જો.

રામનાં તે કહ્યા કરજો, રે’જો રામની પાસ જો,

સમ ખાય તો ખાવા દેજો, દેજો ધારણ ધીર જો.

નવ માસ પૂરા રે થીયા, સીતાને પુત્ર જનમીયા જો,

દસ વાસા પૂરા થીયા, સીતા જરમર જવારવા જાય જો.

વડ ઠેકે વડવાંદરી, તારાં બચ્યાં પડી જાય જો,

મારાં બચ્યાં મારા ઉરમાં, તારો પુતર પારણા માંય જો.

રામે યજ્ઞ આદર્યો ને યજ્ઞ પૂરો થાય જો,

લખમણ લખમણ બાંધવા, સીતાને તેડી આવ જો.

લીલા ઘોડા, લીલા માફા, લીલાં પૂર્યાં ચીર જો,

ડાભની પથારી કીધી, બેઠા સીતા માત જો.

ત્યાંથી તે રથ હંકારીયો, ને આવ્યો અયોધ્યા પૂર જો,

સાસુ મેણાં બોલીયાં, બોલ્યાં અવળાં વેણ જો.

એક મારા રામનો, ને એક આખા ગામનો જો,

ધરતીયેં તો મારગ દીઘા, સમાય ગ્યાં સીતા માત જો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968