nandkunwar albela lal - Lokgeeto | RekhtaGujarati

નંદકુંવર અલબેલા લાલ

nandkunwar albela lal

નંદકુંવર અલબેલા લાલ

નંદકુંવર અલબેલા લાલ, હું તો દરશન કરવા આવી છું.

સાસુ, સસરો, જેઠ, જેઠાણી, કંથથી છાની આવી છું.

નંદકુંવર અલબેલા લાલ, હું તો દરશન કરવા આવી છું.

દાતણ દાડમી, પિત્તળ લોટા, દાતણ કરો તો પરભુ લાવી છું.

નંદકુંવર અલબેલા લાલ, હું તો દરશન કરવા આવી છું.

તાંબા તે કૂંડિયું, હીરનાં ધોતિયાં, ઝીલણ કરો તો પરભુ લાવી છું.

નંદકુંવર અલબેલા લાલ, હું તો દરશન કરવા આવી છું.

સેવ-સુંવાળી લાપસી, ઝીની વાઢી, ભોજન કરો તો પરભુ લાવી છું.

નંદકુંવર અલબેલા લાલ, હું તો દરશન કરવા આવી છું.

સાગ સિસમનો ઢોલિયો, રૂવેલ શીરખા, પોઢણ કરો તો પરભુ લાવી છું.

નંદકુંવર અલબેલા લાલ, હું તો દરશન કરવા આવી છું.

લવીંગ-સોપારી, પાન પચાસ, મુખવાસ કરો તો પરભુ લાવી છું.

નંદકુંવર અલબેલા લાલ, હું તો દરશન કરવા આવી છું.

રસપ્રદ તથ્યો

આ ગીત સાણંદ તાલુકાના કુંવાર ગામની કોળીપટેલ બહેનો પાસેથી મળ્યું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 177)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968