kang wawi - Lokgeeto | RekhtaGujarati

કાંગ વાવી

kang wawi

કાંગ વાવી

સામે કાંઠે કાગ વાવી, જવ રે ઝાંઝરિયાં લ્યો.

કાંગનો મેં તો પૂળો વાળ્યો, જવ રે ઝાંઝરિયાં લ્યો.

પૂળો મેં તો ગાયને નીર્યો, જવ રે ઝાંઝરિયાં લ્યો.

ગાયે મને દૂધ આપ્યું, જવ રે ઝાંઝરિયાં લ્યો.

દૂધ મેં તો વીરને પાયું, જવ રે ઝાંઝરિયાં લ્યો.

વીરે મને ચુંદડી આપી, જવ રે ઝાંઝરિયાં લ્યો.

ચુંદડી ઓઢી પાણી ગઈ’તી, જવ રે ઝાંઝરિયાં લ્યો.

ચુંદડીનો તો છેડો પળલ્યો, જવ રે ઝાંઝરિયાં લ્યો.

ચુંદડી મેં તો નેવે સુકવી, જવ રે ઝાંઝરિયાં લ્યો.

નેવેથી તો કાગ લઈ ગ્યો, જવ રે ઝાંઝરિયાં લ્યો.

કાગની વાંહે હું દોડી, જવ રે ઝાંઝરિયાં લ્યો.

દોડતાં દોડતાં સોય જડી, જવ રે ઝાંઝરિયાં લ્યો.

સોય તો મેં દરજીને આપી, જવ રે ઝાંઝરિયાં લ્યો.

દરજીને મને દોકડો આપ્યો, જવ રે ઝાંઝરિયાં લ્યો.

દોકડો લઈને ઘેર આવી, જવ રે ઝાંઝરિયાં લ્યો.

સામે કાંઠે મેં કાંગ વાવી, જવ રે ઝાંઝરિયાં લ્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968