dan - Lokgeeto | RekhtaGujarati

દાણ

dan

દાણ

મારગડો રોકી રાખ, કાનુડા, મારગડે રોકી રાખ,

છેડલો તે છોડ કા’ના, નંદજીની દઉં આણ,

આવી તે હઠ ના લેવાય; કાનુડા, મારગડો રોકી રાખ.

નેનબાણ ફેંક મા, હો ધૂતારા કાનજી,

હૈયું કુમળું વિંધાય; કાનુડા, મારગડો રોકી રાખ.

તાણ મા, તાણ મા, કા’ના, હાર મારો તૂટશે,

મોંઘેરાં મોતીડાં વેરાય; કાનુડા, મારગડો રોકી રાખ.

માર મા તું કાંકરા, કા’ન, ઘડૂલિયો જો ફૂટશે,

ગોરસ ગોરાં ઢળી જાય; કાનુડા, મારગડો રોકી રાખ.

ધરણી ધખે છે, માથે તડકા તપે છે,

મહીડાં મીઠાં તપી જાય; કાનુડા, મારગડો રોકી રાખ.

પાયે ખૂંચે છે કા’ના, કાંટા ને કાંકરા,

મારે જાવું છે લાંબી વાટ; કાનુડા, મારગડો રોકી રાખ.

કેડલો તું મૂક્ય કા’ના, વગડામાં રોક મા,

જાય મારી સૈયરોનો સાથ; કાનુડા, મારગડો રોકી રાખ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 224)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કસ્તુરી નાનુભાઈ જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968