koyal - Lokgeeto | RekhtaGujarati

કોયલ

koyal

કોયલ

સાત શબ્દની રાજ કોયલ બોલે

સાતેના જુદા જુદા રાગ લે; સાહેલી રાજ કોયલ બોલે :

પહેલો વધાવો રાજ, દાદા છાબ પૂરે, સાહેલી, રાજ કોયલ બોલે.

સામા ઓરડિયામાં અધમણ સાકર;

તો હરીશભાઈ પરણે ત્યારે પધરાવો ઠાકર : રાજ કોયલ બોલે.

બીજો વધાવો રાજ, કાકા સોહે;

તો કાકીજી નાળિયેર છાબ પૂરે, સાહેલી, રાજ કોયલ બોલે.

સામા ઓરડિયામાં અધમણ ખાજાં;

તો હરીશભાઈ પરણે વગડાવો વાજાં, રાજ કોયલ બોલે.

ત્રીજો વધાવો રાજ, મામા ઘર સોહે;

તો મામાજી મોસાળે છાબ પૂરે, સાહેલી, રાજ કોયલ બોલે.

સામા ઓરડિયામાં અધમણ જીરો;

તો હરીશભાઈ પરણે ત્યારે ઘડી ધીરો, રાજ કોયલ બોલે.

ચોથો વધાવો વીરા ઘર સોહે;

તો ભાભીજી ફૂલે છાબ પૂરે, સાહેલી, રાજ કોયલ બોલે.

સામા ઓરડિયામાં અધમણ રાઈ;

હરીશભાઈ પરણે ત્યારે નવી રે નવાઈ, રાજ કોયલ બોલ.

સાત શબદની રાજ કોયલ બોલે;

સાતેના જુદા જુદા રાગ, સાહેલી, રાજ કોયલ બોલે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ {મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી (નીચેનાં ગીતો ભૂજનાં શ્રી. ભાનુમતીબેન જોશી પાસેથી મળ્યા છે.)}
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968