aambo - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આંબો

aambo

આંબો

કિયા ભાઈને આંગણ આંબો મોરીઓ રે,

કિયા ભાઈને લળી લળી આવે છાય;

આંબો મોર્યો ને આંબે ફળ ઘણાં રે.

કિયા ભાઈને આંગણ રુડા ઘોડલા રે,

કિયા ભાઈને આંગણ હાથીડાની જોડ;

આંબો મોર્યો ને આંબે ફળ ઘણાં રે!

કિયા ભાઈને ઘેર વલેણાં ઘૂમતા રે,

કિયા ભાઈને ઘેર ભેંશુની જોડ;

આંબો મોર્યો ને આંબે ફળ ઘણાં રે!

કિયા ભાઈને મેડીએ દીવો શગે બળે રે,

કિયા ભાઈની મેડીએ અંજવાસ;

આંબો મોર્યો ને આંબે ફળ ઘણાં રે!

કિયા ભાઈના કૂવા કરે કીચૂડીયા રે,

કિયા ભાઈની વાડીયું લેરે જાય;

આંબો મોર્યો ને આંબે ફળ ઘણાં રે!

કિયા ભાઈને ધોળીડા બળદીયા રે,

કિયા ભાઈની ફૂમતિયાળી રાશ;

આંબો મોર્યો ને આંબે ફળ ઘણાં રે!

કિયા ભાઈના કુંવર પોઢ્યા પારણે રે,

કિયા ભાઈની કુંવરી હાલાં ગાય;

આંબો મોર્યો ને આંબે ફળ ઘણાં રે!

કઈ વહુને ફૂલફગરનો ઘાઘરો રે,

કયી વહુને ઓઢણ આછાં ચીર;

આંબો મોર્યો ને આંબે ફળ ઘણાં રે!

સ્રોત

  • પુસ્તક : ચાંદો ઊગ્યો ચોકમાં (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : દોલત ભટ્ટ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1988