chundDi - Lokgeeto | RekhtaGujarati

ચુંદડી

chundDi

ચુંદડી

દાદા, અમદાવાદથી ચુંદડી મંગાવજો રે,

એમાં ઝીણી ચોખલિયાળી ભાત;

મેં તો ઓઢી છે નવરંગ ચુંદડી રે.

ચુંદડી ઓઢીને સાસરે સાંચર્યાં રે,

મારી સાસુજીને લાગી છે રઢ્ય;

મેં તો ઓઢી છે નવરંગ ચુંદડી રે,

મારી સાસુ કે’, વહુ કઈ રાજણી રે?

મારો સસરો કે’, વહુ છે નાનેરૂં બાળ;

મેં તો ઓઢી છે નવરંગ ચુંદડી રે,

કાકા અમદાવાદથી ચુંદડી મંગાવજો રે,

એમાં ઝીણી ચોખલિયાળી ભાત;

મેં તો ઓઢી છે નવરંગ ચુંદડી રે,

ચુંદડી ઓઢીને સાસરે સાંચર્યાં રે,

મારી જેઠાણીને લાગી છે રઢ્ય;

મેં તો ઓઢી છે નવરંગ ચુંદડી રે,

મારી જેઠાણી કે’, વહુ કઈ રાજણી રે?

મારો જેઠ કે’, વહુ છે નાનેરૂ બાળ;

મેં તો ઓઢી છે નવરંગ ચુંદડી રે,

મામા, અમદાવાદથી ચુંદડી મંગાવજો રે,

એમાં ઝીણી ચોખલિયાળી ભાત;

મેં તો ઓઢી છે નવરંગ ચુંદડી રે,

ચુંદડી ઓઢીને સાસરે સાંચર્યાં રે,

મારી દેરાણીને લાગી છે રઢ્ય;

મેં તો ઓઢી છે નવરંગ ચુંદડી રે,

મારી દેરાણી કે’, ભાભીજી કઈ રાજણી રે?

મારો દેર કે’, છે મારલી ભોજાઈ;

મેં તો ઓઢી છે નવરંગ ચુંદડી રે,

વીરા, અમદાવાદથી ચુંદડી મંગાવજો રે,

એમાં ઝીણી ચોખલિયાળી ભાત;

મેં તો ઓઢી છે નવરંગ ચુંદડી રે,

ચુંદડી ઓઢીને સાસરે સાચર્યાં રે,

મારી નણંદીને લાગી છે રઢ્ય;

મેં તો ઓઢી છે નવરંગ ચુંદડી રે,

મારી નણંદ કે’, ભાભી કઈ રાજણી રે?

મારો પરણ્યો કે’, તો મારા ઘરડાની નાર;

મેં તો ઓઢી છે નવરંગ ચુંદડી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968