chhayal - Lokgeeto | RekhtaGujarati

છાયલ

chhayal

છાયલ

ભલું રે પાટણ, ભલું ધોળકા, કોઈ અમદાવાદ જાય રે.

જશે વાડીભાઈ પાતળા, છાયલ લાવ્યા બે ચાર રે.

આવીને ઓરડે ઊભા રિયા, નો દીઠી ઘરની નાર રે,

રે છાયલ માતા, શું કરૂં? દોકડા બેઠા હજાર રે.

પહેલું છાયલ આપો આશાબેનને, પહેરી સાસરીએ જાય રે.

આશાબેનનું સાસરૂં વેગળું, છાયલ રજે ભરાય રે.

બીજું છાયલ આપો સવિતાબેનને, પહેરી સાસરીએ જાય રે,

સવિતાબેનનાં છોરૂં ગોબરાં, છાયલ શેડાળાં થાય રે.

ત્રીજું છાયલ આપો ગજરાબેનને, પહેરી સાસરીએ જાય રે.

ગજરાબેનની ચાલ ઉતાવળી, છાયલ ઝરડકે જાય રે.

ચોથું છાયલ આપો કંચન વઉને, પહેરી પાણીડાં જાય રે.

કંચનવઉ તે કાચની પૂતળી, દોકડા ખરચ્યા પરમાણ રે.

ભલું રે પાટણ, ભલું ધોળકા, કોઈ અમદાવાદ જાય રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968