chhayal - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છાયલ

chhayal

છાયલ

પ્રતાપભાઈ ગામ સિધાવિયા, ગીતાવહુ ધાન ખાય રે.

અન્ન રે મેલ્યાં ને પાણી પરહર્યાં, તેલના કર્યા પચખાણ રે.

ના'યાધોયાના ગોરીએ નીમ લીધા, દાતણ માસ માસ રે.

ભલું રે પાટણ ભલું ધોળકું, કોઈ અમદાવાદ જાય રે.

અમદાવાદના વહેવારીને એટલું કેજો, તમારી ગોરી ધાન ખાય રે.

ઊઠો સાથીડા હલ કરો, હલકે બાંધો હથિયાર રે.

દાતણ કરીશું વાડીએ, ભોજન ગોરાંદેને હાથ રે.

ઊંચી મેડી ને દીવડો ઝાંખો બળે, નો દીઠી ઘરુંડાની નાર રે.

રે છાયલ માતા શું કરું? દોકડા બેઠા હજાર રે.

ઈ’રે છાયલ આપો રતનબાને, પહેરી સાસરે જાય રે.

રતનબાની ચાલ ઉતાવળી, છાયલ ઝડકે જાય રે.

ઈ’રે છાયલ આપો દીનુબાને, પહેરી સાસરે જાય રે.

દીનુબાના છોકરાં ગોબરાં, છાયલ શેડાળા થાય રે.

ઈ’રે છાયલ આપો મંગુબાને, પહેરી સાસરે જાય રે.

મંગુબાનું સાસરું દૂબળું, છાયલ વેચીને ખાય રે.

ઈ’રે છાયલ આપો ચંપાબાને, પહેરી સાસરે જાય રે.

ચંપાબાને રાંધણું સામટું, છાયલ મસોતા થાય રે.

ઈ’રે છાયલ આપો મધુબાને, પહેરી સાસરે જાય રે.

મધુબાનું સાસરું વેગળું, છાયલ રજે ભરાય રે.

ઈ’રે છાયલ આપો દૂધીબાને, પહેરી સાસરે જાય રે.

દૂધીબાનું સાસરું ગામડે, છાયલ ઝરડે ભરાય રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ