chhalkatun aawe beDalun - Lokgeeto | RekhtaGujarati

છલકાતું આવે બેડલું

chhalkatun aawe beDalun

છલકાતું આવે બેડલું

છલકાતું આવે બેડલું,

છલકાતી આવે નાર રે, મારી સાહેલીનું બેડલું—છલકાતું આવે બેડલું.

મારા ગામના સુતારી રે, વીરા તમને વીનવું;

મારી માંડવડી ઘડી લાવો રે, મારી સાહેલીનું બેડલું—છલકાતું આવે બેડલું.

મારા ગામના લુહારી રે, વીરા તમને વીનવું;

મારી માંડવડી મઢી લાવો રે, મારી સાહેલીનું બેડલું—છલકાતું આવે બેડલું.

મારા ગામના રંગારી રે, વીરા તમને વીનવું;

મારી માંડવડી રંગી લાવો રે, મારી સાહેલીનું બેડલું—છલકાતું આવે બેડલું.

મારા ગામના કુંભારી રે, વીરા તમને વીનવું;

મારા ગરબે કોડિયાં મેલાવો રે, મારી સાહેલીનું બેડલું—છલકાતું આવે બેડલું.

મારા ગામના પિંજારી રે, વીરા તમને વીનવું;

મારા ગરબે દિવેટ લાવો રે, મારી સાહેલીનું બેડલું—છલકાતું આવે બેડલું.

મારા ગામનાં ઘાંચીડા રે, વીરા તમને વીનવું;

મારે ગરબે દિવેલ પુરાવો રે, મારી સાહેલીનું બેડલું—છલકાતું આવે બેડલું.

મારા ગામના મોટીઆરા રે, વીરા તમને વીનવું;

મારો ગરબો ભલેરો શણગાર રે, મારી સાહેલીનું બેડલું—છલકાતું આવે બેડલું.

મારા ગામની દીકરિયું રે, બેની તમને વીનવું;

મારો ગરબો ભલેરો ગવડાવો રે, મારી સાહેલીનું બેડલું—છલકાતું આવે બેડલું.

મારા ગામની વવારુ રે, ભાભી તમને વીનવું;

મારો ગરબો ભલેરો ઝીલાવો રે, મારી સાહેલીનું બેડલું—છલકાતું આવે બેડલું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 185)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966