maro sasro bhaal - Lokgeeto | RekhtaGujarati

મારો સસરો ભાલ

maro sasro bhaal

મારો સસરો ભાલ

મારો સસરો ભાલ જ્યાતા,

ગાડું ભરીને ઘઉં લાવ્યા.....લાલ....ફૂદું.

મારી સાસુ એવી ભૂંડી,

જોખી દળવા આપે.....લાલ....ફૂદું.

પાશેર લોટ ઓછો પડિયો,

ઝાલી મહિયેરિયાંની વાટો.....લાલ....ફૂદું.

ચોરે તે બેઠા દાદાજી,

ડાહી દીકરી ઘેર આવ્યાં.....લાલ....ફૂદું.

ફળિયામાં ગયાં ત્યારે કૂતરાં ભસ્યાં,

બુધા માલણ આવી.....લાલ....ફૂદું.

આંગણમાં ગયાં ત્યારે પાડોશણ બોલી,

ઉમરા રોકણ આવી.....લાલ....ફૂદું.

પરસાળ ગયાં ત્યારે માતાજી બોલ્યાં,

ડાહી દીકરી ઘેર આવ્યાં.....લાલ....ફૂદું.

ચૂલા આગળ ગયાં ત્યારે બલાડાં બોલ્યાં,

ચાટવા ચોરણ આવી.....લાલ....ફૂદું.

ઓરડામાં ગયાં ત્યારે ઉંદરડા બોલ્યા,

ઢાકા ઢૂમણ આવી.....લાલ....ફૂદું.

અગાશીમાં ગયાં ત્યારે ભાભી બોલ્યાં,

વઢકારાં બા આવ્યાં.....લાલ....ફૂદું.

મેડીએ ગયાં ત્યારે વીરો બોલ્યા,

ડાહી બેન ઘેર આવ્યાં.....લાલ....ફૂદું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 212)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જગજીવનદાસ દયાળજી મોદી અને જગમોહન મોદી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957