chaar panch beDan nani wahu - Lokgeeto | RekhtaGujarati

ચાર પાંચ બેડાં નાની વહુ

chaar panch beDan nani wahu

ચાર પાંચ બેડાં નાની વહુ

ચાર પાંચ બેડાં નાની વહુ ઠમકે ભરી લાઈ જો,

છઠ્ઠા બેડે રે વારું લાગી રે, નાની વહુ!

સરોવરની પાળે ને આંબાની ડાળે,

વાંસલડીની મુરછાયું લાગી રે નાની વહુ!

હાથ નથી ધોયા નાની વહુ, પગ નથી ધોયા જો!

આવલડી વારું ચ્યાં લાગી રે નાની વહુ?

કાછડો વાળીને નાની વહુ લીંબડા પર ચડી જો,

લીંબડે ચડીને કાચીંડો માર્યો રે નાની વહુ.

ખોળે ઘાલીને નાની વહુ કાચીંડો ઘેર લાઈ જો,

ઝેણી રે દાતૈડીએ કાચીંડો સુધાર્યો રે નાની વહુ!

વાટકા ઘઉંની રે નાની વહુએ લાબસી ભરડી જો,

ઝીની તાવણમાં આંધણ મેલ્યાં રે નાની વહુ.

હાલ્ય રે ગોબરિયા તને બપોરા કરાવું જો,

બપોરા કરવા રે ગોબરિયો બેઠો રે નાની વહુ!

પહેલો રે કોળિયો ગોબરિયે હોંશેથી ભરિયો જો,

બીજા કોળિયે રે લે’ર્યું આઈ રે નાની વહુ!

ત્રીજા કોળિયે રે ગોબરિયે સોડ્યું તો તાણી જો,

ચોથા કોળિયે રે પરાણ છાંડ્યા રે નાની વહુ!

ઉપર વાડે રહીને દેરાણીએ જેઠાણીને કીધું જો,

હાલો ને જેઠાણી, તમારો દિયરિયો રિસાણો જો!

ન’તું રવું તો નાની વહુ, આવું ન’તું કરવું જો,

રાજા સરિખો કુંવર માર્યો રે નાની વહુ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 146)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જગદીશ ચાવડા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966