bhukhalwi - Lokgeeto | RekhtaGujarati

ભુખાળવી

bhukhalwi

ભુખાળવી

સાસુ ચાલ્યાં કથા સાંભળવા, નણદી ચાલ્યાં પાણી જો;

વઉ હતી ભુખાળવી, ને ચોરી ખાવા વાળી જો.

કોઠીમાંથી ઘઉં કાઢ્યા, પાડોશણને આલ્યા જો;

તેના મંગાવ્યાં એણે સુખડાં, ને ખૂણે બેસી ખાધાં જો.

પાણી ભરીને નણદી આવી, ઘરમાં નજરૂં નાખી જો;

શું રે કરો તમે ભાભલડી, ને શેનાં આંધણ મેલ્યાં જો;

આંધણિયાં તો નથી રે મેલ્યાં, ને ટાઢા ટુકડા ખાધા જો.

સાસુ આવ્યાં કથા સાંભળી, નણદે વાત માંડી જો;

માડી રે, તમે વાત સાંભળો, ભાભીનાં કરતુક જાણો જો;

ઘરમાં છાની ચોરી કરીને, મંગાવી સુખડાં ખાધાં જો.

ગાડે રે બેસારી ભુખલડીને, મહિયરીએ મૂકી આવો જો;

પહેલી પહોરમાં ધોરી જોડી, વઉને ગાડે બેસાર્યાં જો..

અડધે રસ્તે ઉતારી મેલી, ને ગાડાં પાછાં વાળ્યાં જો;

ચોરી ખાતી વહુવારુ ને મહિયરિયે વળાવ્યાં જો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 227)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કસ્તુરી નાનુભાઈ જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968