‘bhogawo’ni relno garbo - Lokgeeto | RekhtaGujarati

‘ભોગાવો’ની રેલનો ગરબો

‘bhogawo’ni relno garbo

‘ભોગાવો’ની રેલનો ગરબો

દૂર થકી પરદેશીયો આવ્યો, ભોગવાની ભેટે,

અરૂણ વાણી ઓચરે, એના નીરથી બી’નો નેહે.

નીરથી બી’નો નેહ નિહાળી, ભડકી ઊઠ્યો પુરને બાળી,

બેઉ કર જોડી બુધ્ય બોલાવ્યા, દૂર થકી પરદેશીયો આવ્યો. ટેક.

નવસે નવાણું નદીઓ જાણું, સાયર જાણું સાત;

આજ તું સાયર આઠમો, મારી વેદ પુરાણે વાત.

વેદ પુરાણે વાત વખાણે, જશ જગો જગ સૌ કો જાણે;

એમ કહેતાં તારું નામ ઠેકાણું; નદીઓ નવસે ને નવાણું. દૂર થકી.

ભોગાવો કહે, મારૂં તટ છે ભારે, નદીઓમાં હું ન્હોય;

આજ હું સાયર આઠમો, મને કવિ જાણે કોય.

કવિ જાણે કોઈ તે કહીએ, અણસમજ્યાં શું વિસ્મય રહીએ;

એમ સમજ તો ઉતર આપે, ભોગવો કહે મારૂં તટ છે ભારે. દૂર થકી.

સાયર સાયર શું કરો ભાઈ, સાયર થવું નથી રહેલ;

નૌતમ મોતી નીપજે, એના ગુણ-તણી એવી ગેર.

ગુણ-તણી એવી ગેરે ગાજે, ભાવે ભજે તેના દારિદ્ર ભાજે;

ફટ મુઆ તારો તાગ પામ્યો, સાયર સાયર શું કરો. દૂર થકી.

મોતીનાં મૂલ તો મહીપતિ માણે, રાંકને ક્યાંથી રકય?

કોડી ભાળી કોઈ દિ’ તે બોલી વિચાર રે બક્ય.

બોલી વિચારીને બક્ય રે બકે, છાતી પીયારી દેખીને છકકે;

રઢ્ય આપું તને વગર નાણે, મોતીનાં મૂલ તો મહીપતિ જાણે. દૂર થકી.

રઢ્ય મેં તારી જોઈ નિહાળી, અગરનો અંબાર;

પોષી વધારી પળાંશીઓ, ને ખોદી કર્યો સૌ ખાર.

ખોદી કર્યો સૌ ખાર તે ખટકે, અગર દેખી દિલડું અટકે;

ભલી ભોગાવા-તણી છતજ ભાળી, રઢ્ય મેં તારી જોઈ નિહાળી. દૂર થકી.

કે અગરને શું નિંદ અભાગી, કર્મી એવું કોણ?

અન્ન છે જીવન ઔષધી, એની લાજ વધારે લૂણ.

લાજ વધારે લૂણ તે લહીએ, કાચું મીઠું સૌ કો’ ખાય;

કર વાદ ને ચાલ વેરાગી, અગરને શું નિંદ અભાગી. દૂર થકી.

ન્યાયે મારે તને નિંદવો પડે, દે છે ઘણેરાં દુઃખ;

ત્રણ ઋતુમાં તારૂં તો મેં, સોણે ભાળ્યું સુખ.

સો’ણે ભાળ્યું સુખ તે સાલે, ચોમાસામાં ચરસે ચાલે;

નર-પશુ પંખીને જ્યાં ત્યાં નડે, ન્યાયે મારે તને નિંદવો પડે. દૂર થકી.

દરિયે દુઃખ દેવ દૈત્યને દીધાં, મથવા આણ્યો મેર;

વાસુકિ નાગે વલોવીયું ત્યારે, ઝરવા માંડ્યું ઝેર.

ઝરવા માંડ્યું ઝેર તે ઝાળે, દુઃખ લીધું ત્રિલોકને નાથે;

પહેલું વિષ શિવજીએ પીધું, દુઃખ દેવ દૈત્યને. દૂર થકી.

આલો હુક્મ, હવે પારે ઉતરીએ, વડાં સંઘાતે વાદન કરીએ;

ગુણ તણાં ગંભીર. ... ... ... ... ... ...

રસપ્રદ તથ્યો

ગીત અધુરૂં છે. અને ઘણી તપાસને અંતે પ્રશ્નોરા જ્ઞાતિમાંથી આટલું જ મળે છે. આ ગીત મીનાબહેને ઘણું અશુદ્ધ મોકલ્યું હતું તેથી શ્રી મનુભાઈ જોધાણીએ તેમના સંગ્રહમાં આ ગીત હતું તે ઉપરથી સુધારીને મૂક્યું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, ડૉ. મીનાબહેન મનુભાઈ વ્યાસ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966