bharathri - Lokgeeto | RekhtaGujarati

ભરથરી

bharathri

ભરથરી

બાર બાર વરસે રે રાણીને કુંવર જનમિયા,

વાગે વાગે ઢોલ ને શરણાયું રે,

જોશીડા તેડાવો રાજા આપણા શે’રના.

પંડિત આવ્યો રે મોટા આપણા રાજનો,

જો જો મારા બાલુડાના જોશ રે,

જેવું રે હોય તેવું બ્રાહ્મણ કહી દેજો.

સોનલે મઢાવું બ્રાહ્મણ તારું ટીપણું,

રૂપલા વરણાં ટીપણિયાં ઉઘડ્યાં રે,

જોશડિયા જોવા રે રાજા બાળના.

બાર વરસ રાણા, ને બાર વરસ રાજીયા,

તેરમે લખિયા છે ભેખ રે,

નામ રે ધરજો એનું ભરથરી.

બાળું રે બ્રાહ્મણ તારૂં ટીપણું,

બાળું તારી જનોયુંના ત્રાગ રે,

કાલ રે’જે રે બાલુડાના શે’રમાં.

ગાળ દેજો મને મારી માવડી,

કરમે એને લખિયા છે ભેખ રે,

છઠ્ઠીના લખ્યા રે તો નહીં ફરે.

પાંચ વરસનો બાલુડો થઈ ગયો,

ભણતો ભટની નિશાળે રે,

ભણી રે ગણીને હુંશિયાર થઈ ગયો.

દેશો રે દેશનાં નાળિયેર આવિયાં,

બાલુડાના સગપણને કાજે રે,

અજોધા નગરનાં નાળિયેર વધાવિયાં.

ત્રાંબા પિત્તળની ચોરી બાંધિયું,

ઢાળ્યા ઢાળ્યા સોનલા બાજેઠ રે;

પરણે રાજા ને રાણી પીંગળાં.

પરથમ મંગલ તો રાયને વરતિયાં,

દાદા શું શું દેશે દાન રે?

પરણે રાજા ને રાણી પીંગળાં.

સવાસો મણ સોનું દાદે દીધું દાનમાં,

રૂપલા કેરો નહીં કોઈ પાર રે;

પરણે રાજા ને રાણી પીંગળાં.

બીજું રે મંગલ રાયને વરતિયું,

કાકો મારો શું શું દેશે દાન રે?

પરણે રાજા ને રાણી પીંગળાં.

સવાસો હાથી રે કાકે દીધા દાનમાં,

ઘોડલાંનો નહીં કોઈ પાર રે;

પરણે રાજા ને રાણી પીંગળાં.

ત્રીજું રે મંગલ રાયને વરતિયું,

મામો મારો શું શું દેશે દાન રે?

પરણે રાજા ને રાણી પીંગળાં.

સવાસો વેલડિયું મામે દીધી દાનમાં,

સાથે દાસિયુંનો નહીં પાર રે;

પરણે રાજા ને રાણી પીંગળાં.

ચોથું રે મંગલ રાયને વરતિયું,

વીરો મારો શું શું દેશે દાન રે?

પરણે રાજા ને રાણી પીંગળાં.

સવાસો વસતર વીરે દીધાં દાનમાં,

હીર ને ચીરનો નહીં કોઈ પાર રે;

પરણે રાજા ને રાણી પીંગળાં.

પરણી હરખીને મોલ પધારિયા,

હૈડે હરખ માય રે;

માતાજી વધાવે સાચે મોતિયે.

રંગે ને ચંગે રાણી રંગ મોલમાં,

અવળાં ચોઘડિયાંનાં ભૂલ્યાં રે;

દેહ અભાગી પત એની ખોઈ બેઠો.

લીલુડો ઘોડો, ને પીળો ચાબખો,

માથે પાતળિયો અસવાર રે;

હાલ્યો રે રાજા વનમાં ભરથરી.

માતાજી ઝાલે રે ઘોડલાનાં પેગડાં,

બેની ઝાલે છે ઘોડલાની વાઘ રે;

પીંગળાં રાણી તો ખોરા પાથરે.

સોનું તો જાણીને રાજા મેં તો સંગ કીધો,

મારે કરમે નીકળ્યાં કથીર રે;

ભેખ રે ઉતારો રાજા ભરથરી.

નથી રે છોરૂં ને નથી વાછરૂં,

બાળાપણના દિવસ કેમ જાય રે?

ભેખ રે ઉતારો રાજા ભરથરી.

સવાસો મણ મોતી રે રાણી રંગમોલમાં,

ઓઢજો, પે’રજો. ને કરજો લે’ર રે;

છઠ્ઠીના લખ્યા રે મારા કેમ ફરે?

રસોઈ રંધાવું રાજા રંગ મોલમાં,

સ્વામી તમે જમતા તો જાવ રે;

ભેખ રે ઉતારો રાજા ભરથરી.

તારી રસોઈને રાણી ઢીલ ઘણી,

જાય મારા જોગીની જમાત રે;

ભેખ રે ઉતારો રાજા ભરથરી.

જમી રે જુઠીને જોગી ઊઠિયા,

આંગણે જગાડ્યા અલેક રે;

ભિક્ષા દેને માતા પીંગળાં.

માતા રે મા કે’જો સ્વામી અમને તમે,

કાળજાં કળિયેં મારાં કપાય રે;

ભેખ રે ઉતારો રાજા ભરથરી.

કાં તો રે રાજા તેં તો ભાંગ પીધી,

કાં તો તને જોગીડે ભરમાવ્યો રે;

ભેખ રે ઉતારો રાજા ભરથરી.

નથી રે માતા મેં તો ભાંગ પીધી,

નથી મને જોગીડે ભરમાવ્યો રે;

છટ્ઠીના લખ્યા મારા કેમ ફરે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968