jhinun dalun to uDi uDi jay - Lokgeeto | RekhtaGujarati

ઝીણું દળું તો ઊડી ઊડી જાય

jhinun dalun to uDi uDi jay

ઝીણું દળું તો ઊડી ઊડી જાય

ઘંમ રે ઘંટી ઘમઘમ થાય, ઝીણું દળું તો ઊડી ઊડી જાય.

જાડું દળું તો કોઈ નવ ખાય. ઘમ.

મારા તે ઘરમાં સસરોજી એવા, હાલતા જાય, ચાલતા જાય,

લાપસીનો કોળિયો ભરતા જાય. ઘમ.

મારા તે ઘરમાં નણંદબા એવાં, નાચતાં જાય, કૂદતાં જાય,

રાંધી રસોઈયું ચાખતાં જાય. ઘમ.

મારા તો ઘરમાં દિયરજી એવા, રમતા જાય, કૂદતા જાય,

મારું ઉપરાણું લેતા જાય. ઘમ.

મારા તે ઘરમાં સાસુજી એવાં, વાળતાં જાય, બેસતાં જાય,

ઊઠતાં બેસતાં ભાંડત જાય. ઘમ.

મારા તે ઘરમાં પરણ્યાજી એવા, હરતા જાય, ફરતા જાય,

માથામાં ટપલી મારતા જાય. ઘમ.

ઘમ ઘંટી ઘમઘમ થાય, ઝીણું દળું તો ઊડી ઊડી જાય.

જાડું દળું તો કોઈ નવ ખાય.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા મણકો -૫ (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : ડૉ. મંજુલાલ ર. મજમુદાર, શ્રી બચુભાઈ રાવત, શ્રી મનુભાઈ જોધાણી, શ્રી દુલાભાઈ કાગ, શ્રી મેરુભા ગઢવી, શ્રી પુષ્કર ચંદરવાકર, શ્રી ચંદ્રકાન્ત વાઘેલા, શ્રી કનૈયાલાલ જોષી, શ્રી પ્રહ્લાદ પરીખ, સંપા. જોરાવરસિંહ ડી. જાદવ
  • પ્રકાશક : ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966