holi - Lokgeeto | RekhtaGujarati

હોળી

holi

હોળી

તમે રંગ પીચકારી મારો વા’લા,

ભીંજે મારી ચૂંદડી, ને ચોળી રે લોલ.

તમે જશોદાના કુંવર કનૈયા,

હું છું રાધા ભમરભોળી રે લોલ.

તમે રંગ પીચકારી મારો વા’લા,

ભીંજે મારી ચૂંદડી ને ચોળી રે લોલ.

લાલ ગુલાલ ને અગરનાં ચંદન,

વળી કેસર લીધું છે ધોળી રે લોલ.

તમારા મુખ પર અમીરસ છાંટશું,

વાલો રંગીલો રમશે હોળી રે લોલ.

તમે રંગ પીચકારી મારો વા’લા,

ભીંજે મારી ચૂંદડી ને ચોળી રે લોલ.

ગોકુળ ગોવાલણી, ઘેરી વા’લાએ,

વૃજની વનીતાની ટોળી રે લોલ.

નંદનો લાલ તે રંગનો રસિયો,

વશ કીધી રાધા, રંગે રોળી રે લોલ.

તમે રંગ પીચકારી મારો વા’લા,

ભીંજે મારી ચૂંદડી ને ચોળી રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 223)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કસ્તુરી નાનુભાઈ જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968